રાજકોટ મહાનગરપાલિકા તંત્ર અને શહેર ટૂંક સમયમાં દેશના સૌથી રોમાંચક અને યાદગાર કાર્યક્રમોમાંથી એકનું યજમાન બનવા જઈ રહ્યું છે. ભારતીય વાયુસેનાના સુર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા યોજાનારા ભવ્ય એર શો સાથે શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત એર ફોર્સ બેન્ડનું પણ આકર્ષક લાઈવ પરફોર્મન્સ માણી શકશે. ભારતીય વાયુ સેના અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૭-૧૨-૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકથી અટલ સરોવર આસપાસના સ્માર્ટ સીટીના વિસ્તાર (અટલ સરોવર ફરતે)ના આકાશમાં અદભુત સૂર્યકિરણ એર-શો, એરફોર્સ બેન્ડનું પરફોર્મન્સ અને શસ્ત્ર પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત એક દિવસ અગાઉ એટલે કે તા.૬-૧૨-૨૦૨૫ને શનિવારના રોજ સવારે ૧૦ કલાકે સૂર્યકિરણ એર-શોનું ફૂલ ડ્રેસ રિહર્સલ પણ યોજાનાર છે.
કાર્યક્રમની મુખ્ય વિશેષતા જોઈએ તો ભારતીય વાયુસેનાની વિશ્વપ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ આકાશમાં તેમના શૌર્ય, ચોકસાઈ અને તાલમેલના અનોખા કૌશલ્યનો પ્રદર્શન કરશે. આકાશમાં બનતી સુંદર રચનાઓ, ગતિ, ઝડપ અને પાઈલોટ્સની કુશળતા નાગરિકો માટે રોમાંચક દૃશ્ય સર્જશે. એડ્રેનાલિન ભરેલા લૂપ્સ, બ્રેક મેન્યુવર્સ, વિંગ ફોર્મેશન્સ અને હાઇ-સ્પીડ પાસેસ એ કાર્યક્રમની મોટાં આકર્ષણોમાં રહેશે.
એરફોર્સ બેન્ડ દ્વારા રજૂ થનારા મુખ્ય વિભાગોમાં દેશભક્તિ ગીતો, પ્રખ્યાત મીલિટરી બેન્ડ ટ્યૂન્સ, આધુનિક સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટલ્સ અને વિશેષ વાયુસેના થીમ મ્યુઝિક રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવરની આસપાસના સ્માર્ટ સીટી વિસ્તારમાં ભવ્ય અને મોટી સ્ક્રીન મુકવામાં આવશે. જેમાં સૂર્યકિરણ એર-શો અને એર ફોર્સ બેન્ડ લાઈવ નિહાળી શકશે તેમજ સ્માર્ટ સીટી વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ ૧૭ થી ૨૦ ભવ્ય અને મોટી સ્ક્રીનના માધ્યમથી બહોળી સંખ્યમાં લોકો ઉભા રહીને અને ભારતીય બેઠક કરીને સમગ્ર પર્ફોમન્સ નિહાળી શકશે. એરફોર્સના કમાન્ડો દ્વારા આપવામાં આવતા કમાન્ડને નિહાળવાની સાથે અવકાશમાં થતા ફાઈટર પ્લેનના પરફોર્મન્સ પણ સરળતાથી નિહાળી શકશે.
શહેરીજનો અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં ઉભા રહીને અને ભારતીય બેઠક પર ભવ્ય એર-શો અને એર ફોર્સ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ નિહાળી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર ફરતે ૩૦ થી વધુ સાઉન્ડ ટાવર સ્ટેન્ડ બાય કરશે. જેના માધ્યમથી અટલ સરોવર ફરતે રહેલા નાગરિકો ભવ્ય એર-શો અને લાઈવ બેન્ડ માણી આનંદ મેળવી શકશે.
એર ફોર્સ સ્ટેટિક ડિસ્પ્લે પ્રદર્શન તા.૬ અને ૭ ડિસેમ્બરના રોજ અટલ સરોવરના ગેઈટ નં.૧૦ના પાર્કિંગ પ્લોટમાં સમય બપોરના ૧૨ વાગ્યા થી સાંજના ૬ વાગ્યા સુધી રહેશે. આ પ્રદર્શન નિહાળવા માટે શહેરીજનોએ અટલ સરોવરમાં પ્રવેશ લેવો જરૂરી નથી.