દિલ્હી એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં એર ઇન્ડિયા એક્સપ્રેસના પાયલોટે એક મુસાફર પર હુમલો કર્યો. એરલાઇન્સે તપાસનો આદેશ આપ્યો છે અને આરોપી પાઇલટને સસ્પેન્ડ કર્યો છે. ઘટના સમયે પાઇલટ ફરજ પર ન હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
એર ઇન્ડિયા એક્સપ્રેસના કેપ્ટન વીરેન્દ્ર સેજવાલે કથિત રીતે અંકિત દીવાન નામના મુસાફર પર હુમલો કર્યો હતો, જેના કારણે મુસાફરના ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી અને તે લોહીલુહાણ થઈ ગયો હતો. આ ઘટના બાદ એરલાઇને તાત્કાલિક પગલાં ભરીને આરોપી પાયલટને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ફરજ પરથી સસ્પેન્ડ કરી દીધો છે.
મુસાફરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં આ ઘટના શેર કરી હતી, જેમાં ઝઘડા પછી તેના ચહેરા પર લોહી દેખાય છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાઇલટનો ફોટો પણ શેર કર્યો હતો.
એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે દિલ્હી એરપોર્ટ પર એક ઘટનાથી વાકેફ છે જેમાં તેનો એક કર્મચારી, બીજી એરલાઇનમાં મુસાફર તરીકે મુસાફરી કરી રહ્યો હતો, તે બીજા મુસાફર સાથે ઝઘડામાં સામેલ હતો.
એરલાઇન્સે કહ્યું, અમે આવા વર્તનની સખત નિંદા કરીએ છીએ. તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સંબંધિત કર્મચારીને તાત્કાલિક અસરથી સત્તાવાર ફરજો પરથી હટાવવામાં આવ્યો છે. તપાસના તારણો પર યોગ્ય શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
મુસાફર અંકિત દીવાને અહેવાલ આપ્યો કે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 પર એર ઇન્ડિયા એક્સપ્રેસના કેપ્ટન વીરેન્દ્ર સેજવાલે તેમના પર હુમલો કર્યો હતો. દીવાને કહ્યું કે તેમની સાત વર્ષની પુત્રીએ હુમલો જોયો હતો અને તે હજુ પણ આઘાત અને ડરથી પીડાય છે.
શું હતી સમગ્ર ઘટના?
પીડિત મુસાફર અંકિત દીવાન પોતાની પત્ની, 7 વર્ષની પુત્રી અને 4 મહિનાની નાની બાળકી સાથે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં વેકેશન પર જઈ રહ્યા હતા. નાની બાળકીના સ્ટ્રોલરને કારણે એરપોર્ટ સ્ટાફે તેમને 'સ્ટાફ સિક્યોરિટી લાઇન'નો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. અંકિતે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, લાઈનમાં કેટલાક સ્ટાફ મેમ્બર્સ આગળ નીકળવાની કોશિશ કરી રહ્યા હતા. જ્યારે અમે આ બાબતે વાંધો ઉઠાવ્યો, ત્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસના કેપ્ટન વીરેન્દ્ર સેજવાલ(જેઓ તે દિવસે ઓફ-ડ્યુટી હતા અને ઇન્ડિગોની ફ્લાઈટમાં બેંગલુરુ જઈ રહ્યા હતા) ગુસ્સે થઈ ગયા હતા. વાત એટલી વધી ગઈ કે પાયલટે અંકિત પર હાથ ઉપાડી દીધો.
ફરિયાદ ન કરવા માટે દબાણ કરાયું: પીડિતનો આક્ષેપ
આ ઘટના પછી અંકિતે એવો આક્ષેપ કર્યો છે કે, મને પરાણે એક પત્ર લખવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો, જેમાં એવું લખવાનું હતું કે હું આ મામલાને આગળ નહીં વધારું. જો હું આવું ન કરું તો મારી ફ્લાઈટ છૂટી જાય તેમ હતી અને વેકેશન માટેનું 1.2 લાખ રૂપિયાનું બુકિંગ પણ પાણીમાં જાય તેમ હતું. તેમણે દિલ્હી પોલીસને ટેગ કરીને સવાલ ઉઠાવ્યો કે, શું હું પાછો આવ્યા પછી ફરિયાદ નોંધાવી શકું? શું ત્યાં સુધીમાં CCTV ફૂટેજ ગાયબ થઈ જશે?