BREAKING NEWS

રાજકોટમાં દેવ દિવાળીની રાતે હવા ઝેરી બની, ફટાકડાના ધુમાડાથી મધ્યરાત્રિએ AQI 233ને પાર; જાણો કેટલા વાગ્યે કેટલું પ્રદૂષણ રહ્યું

  • November 25, 2026 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ગઈકાલે દેવ દિવાળીના પવિત્ર તહેવારની ભારે ધામધૂમ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ રાત્રિના સમયે ફટાકડા ફોડીને પર્વનો આનંદ માણ્યો હતો. જોકે, આ આતશબાજીની સીધી અસર શહેરના પર્યાવરણ અને હવાની ગુણવત્તા પર જોવા મળી હતી. ફટાકડાના ધુમાડા અને રજકણો હવામાં ભળતા રાજકોટની હવા ઝેરી બની ગઈ હતી, જેના કારણે શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) 233ને પાર થઈ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો હતો.


રાત્રિના સમયે જેમ-જેમ આતશબાજીનો દોર વધતો ગયો, તેમ-તેમ હવામાં પ્રદૂષણનું સ્તર પણ સતત ઊંચું જતું જોવા મળ્યું હતું. આંકડાકીય વિગતો મુજબ, રાત્રે 11.01 વાગ્યે રાજકોટનો એક્યુઆઈ 198 નોંધાયો હતો. ત્યારબાદ માત્ર અડધા જ કલાકમાં ફટાકડાના ધુમાડાની તીવ્રતા વધતા રાત્રે 11.00થી 11.30 વાગ્યાની વચ્ચે એક્યુઆઈ 200ની ભયજનક સપાટીને પાર કરી ગયો હતો અને 11.31 વાગ્યે 207 પર પહોંચી ગયો હતો. હવાની ગુણવત્તામાં આ ઘટાડો શહેરીજનોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે તેવો હતો.


મધ્યરાત્રિના સમયે પ્રદૂષણની સ્થિતિ સૌથી વધુ ગંભીર બની હતી. રાત્રે 12.00થી 12.30 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌથી ઊંચો એક્યુઆઈ 233 નોંધાયો હતો, જે 12.01 વાગ્યે રેકોર્ડ થયો હતો. ત્યારબાદ પણ હવામાં ધુમાડાની ચાદર છવાયેલી રહેતા પ્રદૂષણનું સ્તર ઊંચું જળવાઈ રહ્યું હતું. રાત્રે 12.31 વાગ્યે એક્યુઆઈ 227, રાત્રે 1.01 વાગ્યે 221 અને રાત્રે 1.31 વાગ્યે 220 જેટલો ઊંચો નોંધાયો હતો, જે દર્શાવે છે કે મોડી રાત સુધી વાતાવરણમાં પ્રદૂષિત તત્વોનું પ્રમાણ યથાવત રહ્યું હતું.


જોકે, રાત્રે બે વાગ્યા બાદ આતશબાજી બંધ થતા વાતાવરણમાં થોડી રાહત થવાની શરૂઆત થઈ હતી અને એક્યુઆઈમાં ક્રમશઃ ઘટાડો જોવા મળ્યો હતો. રાત્રે બે વાગ્યે એક્યુઆઈ ઘટીને 201 પર આવ્યો હતો. ત્યારબાદ રાત્રે 12.30થી સવારના 8.30 વાગ્યા સુધીના સમયગાળામાં એક્યુઆઈ 227થી ઘટીને 174ની વચ્ચે રહ્યો હતો. સવારે 8.30 વાગ્યે હવાની ગુણવત્તામાં થોડો સુધારો થતા આંકડો 174 સુધી નીચે ઉતર્યો હતો, જેનાથી લોકોએ થોડા અંશે રાહત અનુભવી હતી.


પરંતુ, સવાર પડતાની સાથે જ શહેરમાં વાહનોની અવરજવર અને દૈનિક પ્રવૃત્તિઓ શરૂ થતા હવામાં ફરી એકવાર પ્રદૂષણનું સ્તર વધવા લાગ્યું હતું. સવારે 8.30 વાગ્યે 174 પર પહોંચેલા એક્યુઆઈમાં ફરી ઉછાળો આવ્યો હતો અને સવારે નવ વાગ્યે તે વધીને 187 સુધી પહોંચી ગયો હતો. આમ, દેવ દિવાળીની ઉજવણી બાદ બીજા દિવસે સવારે પણ રાજકોટવાસીઓને પ્રદૂષિત અને ધુમાડાભરી હવામાં શ્વાસ લેવાની ફરજ પડી હતી. ખાસ કરીને શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓ, બાળકો અને વૃદ્ધો માટે આ પ્રકારની હવાની ગુણવત્તા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી કરી શકે તેમ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application