BREAKING NEWS

શેરબજારમાં ફરી રોનક: ચાર લાખ કરોડનો વરસાદ: સેન્સેક્સમાં 1,553 પોઇન્ટની તેજી

  • November 25, 2026 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમવારે થયેલા ભારે કડાકા અને મંગળવારે બજારની રજા બાદ બુધવાર એટલે કે આજે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોએ શેરોની ખરીદી શરૂ કરતાં સેન્સેક્સ અને નિફ્ટી સહિતના મુખ્ય સૂચકાંકોમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો. આ ઉછાળાથી માર્કેટકેપમાં ચાર લાખ કરોડનો વધારો થયો હતો. પ્રારંભિક કારોબારમાં બીએસઈ સેન્સેક્સ 1,553.60 પોઇન્ટ એટલે કે 1.86 ટકા વધીને 83,989.59ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી-50માં 437.10 પોઇન્ટ એટલે કે 1.62 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને તે 25,786.75ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. મિડકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ-100 447.70 પોઇન્ટ વધીને 61,850.90ના સ્તરે પહોંચ્યો હતો.


દક્ષિણ કોરિયાના કોસ્પી અને જાપાનના નિક્કેઈ સહિતના એશિયન બજારોમાં નબળાઈ જોવા મળી હતી. અમેરિકન ટેકનોલોજી શેરોમાં વેચવાલીના કારણે વૈશ્વિક બજારો પર દબાણ હતું. જોકે, ગીફ્ટ નિફ્ટી તરફથી મળેલા મજબૂત સંકેતો અને સ્થાનિક બજારમાં રોકાણકારોની ખરીદીએ ભારતીય શેરબજારને વૈશ્વિક નબળાઈથી અલગ રાખ્યું હતું.


બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરોમાં ખરીદી

બજારની તેજીમાં બેન્કિંગ શેરોએ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 1,274.45 પોઇન્ટ એટલે કે 2.03 ટકા વધીને 63,859.80ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે બીએસઈ બેન્કેક્સમાં 2.10 ટકાનો ઉછાળો નોંધાયો હતો. HDFC બેન્ક સહિતની મોટી બેન્કોના શેરોમાં નીચા ભાવે ખરીદી થતાં બજારને મજબૂતી મળી હતી.


સોમવારના કડાકા બાદ વેલ્યુ બાઇંગ

સોમવારના કારોબારમાં સેન્સેક્સ આશરે 1,484 પોઇન્ટ અને નિફ્ટી 451 પોઇન્ટ તૂટ્યા હતા. મંગળવારે બજાર બંધ રહ્યા બાદ બુધવારે રોકાણકારોએ નીચા ભાવે સારી કંપનીઓના શેર ખરીદવાની તક ઝડપી હતી. ખાસ કરીને લાર્જકેપ શેરોમાં થયેલી ખરીદીએ બજારને ફરી તેજીના ટ્રેક પર લાવવામાં મદદ કરી હતી.


ક્રૂડના ભાવ ઘટીને પ્રતિ બેરલ 91 ડોલર થયા

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઘટાડો થતાં ભારતીય બજારને રાહત મળી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટીને પ્રતિ બેરલ આશરે 91 ડોલરની આસપાસ પહોંચ્યા હતા. ભારત મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની આયાત કરતું હોવાથી તેલના ભાવમાં ઘટાડો મોંઘવારી અને ચાલુ ખાતાની ખાધના દૃષ્ટિકોણથી સકારાત્મક માનવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application