BREAKING NEWS

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.એ નાયબ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, ડીઝલની વર્તાતી ગંભીર અછત અંગે તાકીદે રજૂઆત

  • May 20, 2026 05:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ગુડ્સ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે એક નવી કટોકટી સર્જાવાના એંધાણ દેખાઈ રહ્યા છે. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન (AGTTA) દ્વારા ગુજરાતના ગૃહ અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીને એક સત્તાવાર પત્ર પાઠવીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ખાસ કરીને ડીઝલની વર્તાતી ગંભીર અછત અંગે તાકીદે રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહીર દ્વારા લખાયેલા આ પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે જો આ પરિસ્થિતિ પર ત્વરિત કાબૂ મેળવવામાં નહીં આવે, તો સમગ્ર રાજ્યમાં માલ-સામાનની હેરફેર ખોરવાઈ શકે છે.


ઉદ્યોગો અને બંદરો પર માઠી અસર

પત્રમાં કરવામાં આવેલી સત્તાવાર રજૂઆત અનુસાર, છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ડીઝલની ભારે અછત વર્તાઈ રહી છે. આ અછતના કારણે ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં આવેલા કેટલાય પેટ્રોલ પંપો સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. ઇંધણ ન મળવાને કારણે રાજ્યમાં માલ-સામાનના આવાગમન અને લોજિસ્ટિક્સ વ્યવસ્થા પર ખૂબ જ વિપરીત અસર પડી છે. આ ગંભીર પરિસ્થિતિને લીધે રાજ્યના વેપાર), ઉદ્યોગો અને કોમર્સ ક્ષેત્રને ખૂબ જ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, ગુજરાતના મહત્વના બંદરો પર પણ ટ્રાન્સપોર્ટેશનની સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે.


ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ભારે મંદીમાં

એસોસિએશને ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પહેલેથી જ વૈશ્વિક અને સ્થાનિક આર્થિક મંદીના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટાભાગના લોકો 'સિંગલ ઓપરેટર' છે, એટલે કે તેઓ માત્ર એક કે બે ટ્રક ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને લાખો લોકોની રોજીરોટી આ ધંધા પર જ આધારિત છે. આવી સ્થિતિમાં જો ઇંધણની અછતને કારણે ટ્રાન્સપોર્ટરોને પોતાની ગાડીઓ એક દિવસ પણ રોડ પર ઊભી રાખવી પડે, તો તેમને બહુ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે તેમ છે, જે નાના ઓપરેટરોની આર્થિક કમર તોડી નાખશે.


સરકાર પાસે પૂરતો જથ્થો ફાળવવા માંગ

સમગ્ર ટ્રાન્સપોર્ટ સમુદાય વતી એસોસિએશને ગૃહમંત્રીને નમ્ર અપીલ કરી છે કે આ બધા વિસ્તારોમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને ડીઝલનો પૂરતો જથ્થો સમયસર મળી રહે તેવી તાકીદની વ્યવસ્થા કરવામાં આવે, જેથી વાહન-વ્યવહાર પૂર્વવત થઈ શકે. ઉલ્લેખનીય છે કે, આ પત્રની નકલ કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી (નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા) તેમજ અગ્ર સચિવ શ્રી હારિત શુક્લા (IAS - બંદરો અને વાહન વ્યવહાર વિભાગ) ને પણ યોગ્ય અને ત્વરિત કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News