ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના મોટાભાઈ લલિતભાઈ રમણિકલાલ રૂપાણીનું 85 વર્ષની વયે આજરોજ તા. ૨૦/૦૫/૨૦૨૬ અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયું છે. મૂળ ચણાકા નિવાસી સ્વ. રમણિકલાલ ચુનીલાલ રૂપાણીના પુત્ર લલિતભાઈ છેલ્લા કેટલાક સમયથી બીમાર હોવાનું જાણવા મળ્યું છે. તેમના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ રૂપાણી પરિવાર સહિત સમગ્ર રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઉચ્ચ રાજકીય અગ્રણીઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા રૂપાણી પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આવતીકાલે અંતિમયાત્રા અમદાવાદ ખાતેથી નીકળશે
લલિતભાઈ રૂપાણીની અંતિમયાત્રા આવતીકાલે સવારે 9.30 વાગ્યે તેમના નિવાસસ્થાન B/801, 'આન્તરેસ' ઇસ્કોન-આંબલી રોડ, અમદાવાદ ખાતેથી નીકળશે. જેમાં રાજ્યના અનેક રાજકીય નેતાઓ, સામાજિક આગેવાનો અને સ્નેહીજનો ઉપસ્થિત રહી સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
સ્વ. લલિતભાઈ રૂપાણી ભેસાણ નિવાસી તારાચંદ કપૂરચંદ અંબાવીના જમાઈ થતા હતા. તેઓ પોતાના પાછળ એક મોટો અને ભરેલોભાદરો પરિવાર વિલાપ કરતો છોડી ગયા છે. સ્વ. લલિતભાઈ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી તેમજ સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. નગીનભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, પ્રવિણભાઈ અને ઉમેદભાઈના પૂજનીય ભાઈ હતા. તેઓ રંજનબેનના પતિ, રાજેશભાઈ તથા અમિનેશભાઈના પિતા, નીતાબેન તથા વિમીબેનના સસરા તેમજ દેવર્ષિ, પંક્તિ અને કાવ્યાના વહાલા દાદા હતા. પરિવારના મોભી ગુમાવતા જ સમગ્ર રૂપાણી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
૨૨ મેના રોજ અમદાવાદ ખાતે પ્રાર્થના સભા, બેસણું
પરિવારના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, સ્વર્ગસ્થ આત્માની શાંતિ અર્થે તેમની પ્રાર્થના સભા અને બેસણું આગામી તા. ૨૨/૦૫/૨૦૨૬, વાર શુક્રવારના રોજ સવારે 9થી 11 વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યું છે. આ પ્રાર્થના સભા અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા 'સિંધુ ભવન હોલ' ના પહેલા માળે રાખવામાં આવી છે.