ગુજરાત હાઈકોર્ટે દાહોદની એક ૧૪ વર્ષીય દુષ્કર્મ પીડિત સગીરાના હિતમાં મોટો ચુકાદો આપ્યો છે. અદાલતે સગીરાના ૧૯ સપ્તાહ અને ૫ દિવસના ગર્ભના ગર્ભપાત (Medical Termination of Pregnancy) માટેની મંજૂરી આપી દીધી છે. આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ દુષ્કર્મ પીડિતાને તેની મરજી વિરુદ્ધ ગર્ભ રાખવા માટે મજબૂર કરવી એ તેના બંધારણીય અને શારીરિક અખંડિતતાના અધિકારનું સરેઆમ ઉલ્લંઘન છે.
શું છે સમગ્ર મામલો?
આ કેસની વિગત મુજબ દાહોદ જિલ્લાની માત્ર ૧૪ વર્ષ અને ૨૫ દિવસની એક સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું, જેના કારણે તે ગર્ભવતી બની ગઈ હતી. આ મામલે દાહોદના સ્થાનિક પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. સગીરા સગીર વયની હોવાથી તેના પિતા મારફતે ગર્ભપાતની પરવાનગી મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા. અરજી સમયે સગીરાને ૧૯ સપ્તાહનો ગર્ભ હોવાથી કાયદાકીય મંજૂરી મેળવવી અનિવાર્ય બની હતી.
હાઈકોર્ટે સગીરાની અરજી પર તુરંત સંજ્ઞાન લઈને દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાત તબીબોની પેનલને સગીરાની તબીબી તપાસ કરવાના નિર્દેશ આપ્યા હતા. ડૉક્ટરોની પેનલે કોર્ટને સોંપેલા રિપોર્ટમાં જણાવ્યું કે પીડિતા ૧૯ સપ્તાહ અને ૦૫ દિવસનો ગર્ભ ધરાવે છે. રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સગીરા શારીરિક અને તબીબી રીતે ગર્ભપાત કરાવવા માટે સંપૂર્ણ સક્ષમ છે અને ગર્ભપાતથી તેના જીવને કોઈ જોખમ નથી.
કોર્ટે પીડિતા સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સીધો સંવાદ કર્યો હતો, જેમાં તેણે કોઈપણ દબાણ વગર સ્વેચ્છાએ ગર્ભ રાખવાની ના પાડી હતી અને ગર્ભપાત કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંક્યા હતા, જેમાં જણાવવામાં આવ્યું છે કે દુષ્કર્મ પીડિતાને ગર્ભ રાખવા માટે મજબૂર કરવી એ તેના સન્માનપૂર્વક જીવવાના અને શારીરિક અખંડિતતાના અધિકારનું ઉલ્લંઘન છે.