BREAKING NEWS

ગુજરાતની તમામ પ્રી-સ્કૂલોએ 31 જુલાઈ સુધીમાં ઓનલાઇન નોંધણી ફરજિયાત

  • July 06, 2026 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં કાર્યરત તમામ નવી તેમજ હયાત પ્રી-સ્કૂલો (પ્લે-ગ્રુપ, નર્સરી, એલ.કે.જી,યુ.કે.જી અને બાલવાટિકા) માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે તમામ પ્રી-સ્કૂલ સંચાલકોને તેમના શૈક્ષણિક એકમોની નોંધણી ઓનલાઇન પોર્ટલ પર કરાવવા માટે તાકીદ કરી છે. જે સંસ્થાઓએ હજુ સુધી નોંધણી પ્રમાણપત્ર મેળવ્યું નથી, તેમને આગામી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધીમાં ઓનલાઇન ફોર્મ સબમિટ કરવાની અંતિમ તક આપવામાં આવી છે.

રાજ્યમાં અંદાજે ૨૫,૦૦૦ જેટલી પ્રી-સ્કૂલો આવેલી છે. તેમાંથી અત્યાર સુધીમાં માત્ર ૮,૯૯૧ પ્રી-સ્કૂલોની જ નોંધણી થઈ શકી છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, હજુ પણ ૬૪ ટકા જેટલી પ્રી-સ્કૂલોની નોંધણી બાકી છે. પ્રી-સ્કૂલ એસોસિએશનના પ્રમુખ સાગર નાયક જણાવે છે કે, તમામ સંચાલકોને સરકારના નીતિ-નિયમોનું પાલન કરીને નિર્ધારિત સમયમર્યાદામાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવા સૂચના આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું-૨૦૨૩ હેઠળ ૮ વર્ષ સુધીના બાળકોના સર્વાંગી વિકાસ માટે 'ફાઉન્ડેશન સ્ટેજ' અમલમાં મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત બાલવાટિકા-૧ , બાલવાટિકા-૨ , ધોરણ-૧ અને ધોરણ-૨ માટેનું શૈક્ષણિક માળખું નક્કી કરાયું છે. રાજ્ય સરકારે આ માળખાને સ્વીકારીને પ્રી-સ્કૂલની નોંધણી અંગેની નીતિ અમલમાં મૂકી છે.

જે શૈક્ષણિક સંસ્થાઓએ અગાઉ અરજી કરીને પ્રમાણપત્ર મેળવી લીધું છે, તેમને ફરીથી અરજી કરવાની જરૂર નથી.રાજ્યમાં હવે કોઈ પણ નવી ખાનગી પ્રી-સ્કૂલ કે બાલવાટિકા શરૂ કરતા પહેલા વેબ પોર્ટલ પર ફરજિયાત નોંધણી કરાવવી પડશે.ઓનલાઇન ફોર્મ ભરતા પહેલા સંચાલકોએ વેબસાઇટ પર ઉપલબ્ધ સરકારી ઠરાવો, નિયમો અને માર્ગદર્શિકાનો સંપૂર્ણ અભ્યાસ કરવો ફરજિયાત છે. સાથે જ નિયત ફોર્મેટમાં સ્વ-ઘોષણાપત્ર પણ રજૂ કરવાનું રહેશે.

શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો નિર્ધારિત સમયમર્યાદા એટલે કે ૩૧ જુલાઈ ૨૦૨૬ બાદ પણ કોઈ સંસ્થા નોંધણી વગર કાર્યરત જોવા મળશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application