ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે ૪૮૪૨ કરોડ રૂપિયાની ફાળવણી
નવા કૃષિ વિષયક વીજ જોડાણ આપવા માટે રૂ.૧૧૬૬ કરોડની જોગવાઇ: કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રૂ.૫૦૦ કરોડની જોગવાઇ: સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે રૂ.૩૫૦ કરોડની ફાળવણી
ગાંધીનગર
કિસાન સૂર્યોદય યોજના મારફત ખેડૂતો માટે દિવસના સમયે વીજ પુરવઠો આપી શકાય તે સુનિશ્ચિત કરી રાજ્યમાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતાં કુલ ૧૭ હજાર ૨૪૯ ગામોમાં આવેલ ખેતી આધારિત કુલ ૨૦ લાખ ૮૫ હજાર વીજગ્રાહકો પૈકી ૧૭ હજાર ૫૨ ગામોમાં ૧૯ લાખ ૯ હજાર વીજગ્રાહકોને દિવસે વીજળી આપવામાં આવી છે. આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણ આપવા માટે રૂ.૧૧૬૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રૂ.૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે રૂ.૩૫૦ કરોડની જોગવાઇ, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુકત વીજળી પૂરી પાડવા જનજાતિય કલ્યાણ યોજના હેઠળ રૂ.૨૦૧ કરોડની જોગવાઇ, પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન-ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ માટે રૂ.૨૦૦ કરોડની જોગવાઇ, રસ્તાઓના વિસ્તૃતિકરણ વખતે અડચણરૂપ હયાત ટ્રાન્સમીશન લાઇન અને સંલગ્ન વીજમાળખાનું શિફટીંગ કરવા માટે રૂ.૧૨૫ કરોડની જોગવાઇ, ઊર્જા સંરક્ષણ યોજના માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્યના યાત્રાધામોમાં સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે હેતુ ગ્રીન અને વીજસલામત ઝોન વિકસિત કરવા રૂ.૧૦૦ કરોડની જોગવાઇ, હાલના ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ, રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હિકલચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ, ખેતીવાડી ફીડરોના નેટવર્કની સુધારણા માટે “સર્જન યોજના” અંતર્ગત રૂ.૨૫ કરોડની જોગવાઇ, વીજ સલામતી પ્રત્યે જન જાગૃતિ કેળવી અકસ્માત નિવારણ તથા વીજ કર્મચારીની વ્યક્તિગત સુરક્ષા માટે સાધનોની ખરીદી હેતુ રૂ.૭ કરોડની જોગવાઇ, ઊર્જા ક્ષેત્રે સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવાના હેતુસર એનર્જી ઇનોવેશન ફંડ માટે રૂ.૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.