BREAKING NEWS

20 ખેડૂતોની રૂ.43.53 કરોડની જમીન માત્ર 2.15 કરોડમાં પડાવી, સીટની તપાસમાં અલ્પેશ દોંગાની ખુલી કુંડળી

  • October 02, 2026 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોનના નામે જરૂરિયાતમંદ ખેડૂતોને ફસાવી તેમની જમીન પચાવી પાડવાનુ રાજયવ્યાપી કૌભાંડ આચરનાર કુખ્યાત અલ્પેશ દોંગા અણી ટોળકી વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી તપાસ દરમિયાન વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. અલ્પેશ દોંગા આણી ટોળકીએ 130 વીઘા જમીન જેની બજાર કિંમત 43.53 કરોડ છે તે માત્ર 2.15 કરોડમાં પચાવી સાટાખાત કરાવી લીધાનું સામે આવ્યું છે. એટલું જ નહીં અલ્પેશ દોંગાની શાસ્ત્રીનગર અજમેરા પાસે આવેલી બિઝનેસ ટર્મિનલ ઓફિસમાં તપાસ કરાતા અહીંથી 152 જેટલા જમીનના દસ્તાવેજોની નકલ મળી છે. બીજી તરફ આ ચકચારી કૌભાંડમાં પોલીસે અલ્પેશ દોંગાના ખાસ ગણાતા અક્ષિત અકબરીને પણ ઝડપી લીધો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ખેડૂતોને લોન અપાવવાના બહાને ફસાવી તેમની જમીન પાણીના ભાવે પચાવી પાડનાર મની પ્લસ પેઢીના સંચાલક કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી દ્વારા આચરવામાં આવેલા આ કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી હોય અને તે માટે ખાસ સીટની ટીમની રચના કરવામાં આવી છે.

દરમિયાન આજરોજ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા તપાસ અંગે કેટલીક મહત્વની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપી અલ્પેશ દોંગા તથા અક્ષિત અકબરીની ટોળકી વિરુદ્ધ અગાઉ ૧૨ ગુના દાખલ થયા હતા. આ ઉપરાંત પડધરી, ગોંડલ તાલુકા, કાલાવડમાં મળી વધુ ચાર ગુના દાખલ થયા છે. આ સિવાય અત્યાર સુધીમાં સાત જેટલા અરજદારોએ સંપર્ક કરી અરજીઓ આપી છે જે અંગે તપાસ ચાલુ છે.આ કૌભાંડમાં તપાસ દરમિયાન પોલીસે મુખ્ય સૂત્રધાર મનાતા અલ્પેશના સાથીદાર અક્ષિત અકબરીને પણ ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે અલ્પેશ દોંગાનો કબજો મેળવી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

સીટની તપાસ દરમિયાન ૨૦ ખેડૂતોની કુલ 130 વીઘા જમીન જેની બજાર કિંમત ૪૩ કરોડ ૫૩ લાખ જેટલી છે જે જમીન પેટે આરોપીઓએ માત્ર ૨ કરોડ ૧૫ લાખ જેટલી રકમ ચૂકવી જે તે ખેડૂત ખાતેદારના દસ્તાવેજો સાટાખાત કરાવી લીધાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા કોલ સેન્ટરોના ટેલીકોલર બાબતે પણ તપાસ ચાલી રહી છે.

અત્યાર સુધીમાં આ કૌભાંડમાં અલ્પેશ ગોપાલભાઈ દોંગા, અક્ષિત અકબરી ઉર્ફે હેપી પટેલ પિયુષ ચંદુભાઈ વિરડીયા, ચંદુ છગનભાઈ વિરડીયા(રહે બધા. રાજકોટ), હિરેન રતિલાલ લુણાગરિયા (રહે સરપદડ) (વચેટીયો), મયુર કાનગઢ ઉર્ફે મયુર આહિર (રહે. વડાળી તા. ચોટીલા), અભય મોલીયા, મનિષાબેન અભયભાઈ મોલિયા, જયેશ રામજીભાઈ ભલાળા(રહે. ત્રણેય રાજકોટ) ની સંડોવણી ખૂલતા તેમને આરોપી બનાવ્યા છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા સેવાઇ રહી છે.


અલ્પેશની અન્ય ઓફિસમાંથી વધુ ૧૫૨ જેટલા જમીનના દસ્તાવેજ મળ્યા

તપાસ ચલાવી રહેલી સીટની ટીમે અલ્પેશ દોંગાની રાજકોટના નાનામાંવા રોડ પર શાસ્ત્રીનગર અજમેરા સોસાયટીના ગેટ સામે આવેલા બિઝનેસ ટર્મિનલ એપાર્ટમેન્ટમાં ચોથા માળે આવેલી ઓફિસ નંબર 402 ની જડતી લીધી હતી. અહીં સઘન તપાસ દરમિયાન નવા દસ્તાવેજ તથા સાટાઘાત મળી કુલ 152 જેટલા જમીનના દસ્તાવેજોની નકલો મળી આવી હતી. જે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.


અમદાવાદમાં 25,000 ગીતા નામની બહેનો એકત્રિત કરી પ્રોગ્રામ કરવાનો હતો

પોલીસની તપાસ દરમિયાન એવી વિગત સામે આવી હતી કે, આરોપીઓ દ્વારા ગીતા ચેરીટેબલ ટ્રસ્ટના નામે ગુડવીલ મેળવવા માટે ચલાવવામાં આવી રહેલા કોલ સેન્ટરો બાબતે તપાસ કરતા અગાઉ આરોપીઓએ ભાવનગર તથા સુરત ખાતે ગીતા જયંતીનો પ્રોગ્રામ કર્યો હતો. આવનાર સમયમાં 28 ડિસેમ્બરના અમદાવાદના નિકોલ ખાતે 25,000 ગીતા નામની બહેનોને એકત્રિત કરી પ્રોગ્રામ કરવામાં આવનાર હતો. જે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application