લોનના બહાને ખેડૂતોને વ્યાજના ચુંગાલમાં ફસાવી તેમની જમીન પાણીના ભાવે પડાવી લેનાર કુખ્યાત અલ્પેશ દોંગા વિરૂધ્ધ વધુ એક ગુનો લોધિકા પોલીસ મથકમાં દાખલ થયો છે. કોટડા સાંગાણીના થોરડીના ખેડૂતને ૬ લાખ આપી ૬ કરોડની જમીન પડાવી લીધી હતી.
હાલ સડક પીપળીયા ગામ નજીક ભરૂડી ટોલનાકા પાસે, નિલકઠ શોપીંગમાં શ્રીજી એન્ટરપ્રાઈઝમાં રહેતાં મૂળ કોટડા સાંગાણીના થોરડી ગામના વતની તુલશીભાઇ ગોબરભાઇ સાકરીયા (ઉ.વ.૬૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલ્પેશ દોંગા (રહે.સગુન એપાર્ટમેન્ટ, રાજકોટ, મૂળ મોટા રામપર, પડધરી) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. તેઓને ખેતીની વડીલોપાર્જીત -૪ એકર ૩૪ ગુઠા જમીન કોટડાસાંગાણી તાલુકાના થોરડી ગામની સીમમાં છે.
વર્ષ ૨૦૧૮ માં તેઓ ગામડે હતાં તે વખતે કોઇ ખેડુતને જમીન ઉપર લોન (ધીરાણ) જોઇતી હોય તો રાજકોટ પટેલ ઇન્વેસ્મેન્ટ પોઇન્ટ (મની પ્લસ શરાફી મંડળી) નો સંપર્ક કરવો તેવા પેમ્પફલેટ દિવાલમાં ચોંટાડેલ હતા. તેઓને દિકરા તથા દિકરીના લગ્ન કરવા હોય અને રૂપીયાની જરૂરીયાત હોય જેથી તેઓ ૭/૧૨ ના દાખલાની નકલ લઇ રાજકોટના નાના મોવા સર્કલ પાસે આવેલ ઓફીસ ગયા હતાં. ત્યા અલ્પેશ દોંગાને મળ્યા હતા અને તેની પાસે રૂ.૬ લાખની લોન લેવાની વાત કરતા તેણે કાગળો તપાસીને કહ્યું હતું કે, તમારૂ સીબીલ ખરાબ છે, જેથી બેંકમાં તમારી લોન નહીં થાય પણ તમારી જમીનનો સાટાખત સીક્યુરીટી પેટે જેઓના નામનો કહુ તેઓના નામનો કરી આપવો પડશે પછી તમને લોન કરી આપીશ અને ૩ ટકા વ્યાજ રહેશે અને તમે મારી મુદલ રકમ વ્યાજ સહિત આપશો ત્યારે તમને તમારી જમીનનો સાટાખત રદ કરાવી દઇશ.
બાદમાં અલ્પેશ દોંગાએ રોકડ રૂા.૪ લાખ આપ્યા હતા અને તેની ઓફીસનાં બે માણસોને તેમની સાથે કોટડાસાંગાણીની મામલતદાર કચેરી ખાતે સાટાખત કરાવેલ તે સાટાખત કોના નામે કરાવેલ તે ખ્યાલ નથી. તે સાટાખતની કોઇ નકલ આપેલ ન હતી અને તેઓ નક્કી થયા મુજબનુ વ્યાજ ખેડૂત ભરતા હતાં. તેઓને વધુ રૂપીયાની જરૂર પડતા બાકી રહેલ ૨ લાખ અલ્પેશએ તેની ઓફિસ ખાતેથી રોકડા આપ્યા હતા.
ખેડૂતે પૈસા લીધા બાદ બે વર્ષ પછી રૂ.૩ લાખ વ્યાજના આપીને કહ્યું કે, તમારી મુદલ રકમ આપવા તૈયાર છુ. હવે તમોએ કરાવેલ સાટાખત રદ કરાવી આપો તો અલ્પેશ દોંગા કહેવા લાગેલ કે, તમારે ૬ લાખ વ્યાજ સહિત કુલ ૧૨ લાખ આપવા પડેશે નહીતર તમારૂ સાટાખત રદ નહીં થાય તેમ જવાબ આપતા ફરીયાદી અને તેનો પરીવાર અવાર- નવાર આ અલ્પેશ દોંગાની ઓફિસે ગયા હતા અને ધણી વખત આજીજી કરી હતી કે, તમારા લીધેલા રૂપીયા ઉપર વ્યાજ આપી દીધુ છે, તમારી મુળ રકમ પણ આપવા માટે તૈયાર છીએ તો તે કહેવા લાગેલ કે, તમારા આજ સુધીના વ્યાજના રૂ.૪૦ લાખ થાય છે.
ઉપરાંત કહેલ કે, તમારી એક એકર જમીનના તમને રૂ.૨૮ લાખ લેખ રૂ. ૧.૩૮ કરોડ આપવાનુ કહી તમો મારા પૈસા આપો નહીતર તને અને તારા આખા પરિવારને જાનથી મારી નાખીશ તેમ કહી વ્યાજના પૈસાની પઠાણી ઉધરાણી કરવા લાગી કહેલ કે, જો તમારી પાસે મારી મુદ્દલ તથા વ્યાજના પૈસા થાય તેમ ન હોય તો તમારે મને મારા પૈસાના બદલે તમારી જમીનનો દસ્તાવેજ કરાવી આપવો પડશે તેમ કહી ધમકી આપી વર્ષ ૨૦૨૧ માં અલ્પેશ દોંગાએ કોટડાસાંગાણી મામલતદાર કચેરી ખાતે લઇ જઇ જમીનનો દસ્તાવેજ મુકતાબેન બાબુ ડોબરીયા (રહે. શાપર) ના નામનો તા.૩૦/૦૩/૨૦૨૧ ના કરાવી લીધો હતો.
તે દસ્તાવેજ પેટે રૂ.૪૦ લાખ વ્યાજના વાળી લઇ બાકીની વધતી રકમ રૂ.૯૮ લાખ પણ આજ સુધીમા ખેડૂતને ન આપતા અંતે ખેડૂતે આ ફરિયાદ નોંધાવી છે. કુખ્યાત અલ્પેશ દોંગા સામે હાલ સુધીમાં ખેડૂતોની જમીન પચાવી પાડવાની ૧૮ મી ફરીયાદ દાખલ થઈ છે.
ખેડૂતની જાણ બહાર તેના પુત્રે અલ્પેશ દોંગા પાસેથી રૂ.૩૨ લાખ લઇ લીધા’તા
અલ્પેશ દોંગાએ દસ્તાવેજ કરાવી લીધાની જાણ ફરીયાદીના મોટા દિકરા લલીતને થતા તેણે અલ્પેશ દોંગાને મળી આ જમીનમા મારૂ પણ વારસાઇમા નામ છે, જો મારી સંમતી જોયતી હોય તો મને પૈસા આપવા પડશે નહીતર હુ તમારી ઉપર કેસ કરીશ કહેતા અલ્પેશ દોંગાએ તેને રૂ.૩૨ લાખ આપેલ હતાં. તેમજ નાના દિકરા રાજેશભાઇને પણ આ અલ્પેશ દોંગાએ કેટલીક રકમ આપી હતી.