શહેરના જિલ્લા ગાર્ડન પાસે બાપુનગરમાં રહેતા ઈશાન કાસમાણી(ઉ.વ 21) નામના યુવાનની સોમવારે રાત્રિના બાપુનગર સ્મશાન નજીક છરીનો ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જેમાં પોલીસે અગાઉ બે આરોપીને ઝડપી લીધા બાદ મુખ્ય સૂત્રધાર અમન ચૌહાણને પણ ઝડપી લીધો હતો. મૃતકને આરોપીની પત્ની સાથે અગાઉ સંબધ હોય લગ્ન બાદ પણ તે સંબંધ રાખવા માટે ટોર્ચર કરતો હતો. આરોપીને મૃતક પાસે તેની પત્નીના કેટલાક વાંધાજનક ફોટા હોવાની શંકા હોય તેનો ફોન ચેક કરવા જતા આ બાબતે બંને વચ્ચે ડખો થયા બાદ વાત હત્યા સુધી પહોંચી હતી.
અગાઉ બે આરોપીની ધરપકડ કરાઈ હતી
હત્યાના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, બાપુનગર વિસ્તારમાં રહેતો ઈશાન મુસ્તફાભાઈ કાસમાણી(ઉં.વ 21) નામનો યુવાન સોમવારે રાત્રે જિલ્લા ગાર્ડન પાસે ભૂંગળા બટેટાની લારીએ કામ કરતો હતો. ત્યારે અફઝલ જુણેજા કામ છે તેમ કહી તેને થોડી દુર લઈ ગયો હતો. અહીં અગાઉથી જ અમન ચૌહાણ અને સાહિલ પતાણી ઉભા હોય બાદમાં અમને યુવાનનો મોબાઇલ ફોન ચેક કરવા જતા આ બાબતે ઝઘડો થયા બાદ પાઇપ વડે મારમારી છરીનો ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી હતી.
મુખ્ય આરોપી હાથ લાગ્યો ન હતો
હત્યાના આ બનાવવા અંગે મૃતકના પિતા મુસ્તુફાભાઈ કાસવાણીની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી એમએમ સરવૈયાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.જે. ગોહિલ તથા ટીમે તપાસ હાથ ધરી અગાઉ હત્યા પ્રકરણમાં બે આરોપી સાહિલ હુસેનભાઈ પતાણી અને અફઝલ સિકંદરભાઈ જુણેજાને ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય આરોપી હાથ લાગ્યો ન હતો.
મોબાઇલ ચેક કરવા માંગતા આ બાબતે બંને વચ્ચે ડખો થયો
દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ ચાવડા, કોન્સ્ટેબલ મનીષભાઈ ચાવડા અને મયુરધ્વજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે મુખ્ય આરોપી અમાનઉલ્લા ઉર્ફે અમન ઉર્ફે માયા મહેબૂબ ચૌહાણ (રહે. જિલ્લા ગાર્ડન, સ્લમ ક્વાર્ટર)ને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી અહીંથી રાજ્ય બહાર નાસી જવાની ફિરાકમાં હતો આરોપીની પત્ની સાથે ઈશાનને અગાઉ સંબંધ હોય લગ્ન બાદ તેને સંબંધ તોડી નાખતા તે હજુ પણ સંબંધ રાખવા માટે દબાણ કરી હેરાન કરતો હતો. એટલું જ નહીં ઈશાનના મોબાઇલમાં અમનની પત્નીના કેટલાક વાંધાજનક ફોટા હોય તેવી અમનને શંકા હોવાથી તેનો મોબાઇલ ચેક કરવા માંગતા આ બાબતે બંને વચ્ચે ડખો થયા બાદ હત્યા કરી કરી નાખી હતી.