વર્ષ ૨૦૨૬માં યુરોપ જનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં ૬.૨% નો વધારો થવાનો અંદાજ છે. યુરોપિયન ટ્રાવેલ કમિશન (ETC) દ્વારા બુધવારે જારી કરવામાં આવેલા અહેવાલ મુજબ, આ વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ ભારત અને ચીનથી આવતા પ્રવાસીઓની વધતી સંખ્યા છે. રસપ્રદ વાત એ છે કે, અત્યાર સુધી યુરોપના પ્રવાસન ઉદ્યોગની કરોડરજ્જુ ગણાતા અમેરિકન પ્રવાસીઓમાં પહેલીવાર નરમાશ જોવા મળી રહી છે.
કેમ ઘટી રહ્યો છે અમેરિકનોનો ક્રેઝ?
કોરોનાકાળ પછી મજબૂત ડોલર અને મજબૂત અર્થતંત્રને કારણે અમેરિકનો મોટા પાયે યુરોપ ફરવા જતા હતા, પરંતુ ૨૦૨૬માં આ ટ્રેન્ડ બદલાયો છે. વધતી આર્થિક ચિંતાઓ અને ભૌગોલિક-રાજકીય અસ્થિરતાને કારણે અમેરિકનો હવે યુરોપ જવામાં થોડો સંકોચ કરી રહ્યા છે. એવિએશન પ્લેટફોર્મ 'Cirium' ના ડેટા મુજબ, યુરોપથી અમેરિકાના બુકિંગમાં ૧૪.૨% અને અમેરિકાથી યુરોપના બુકિંગમાં ૭.૩% નો ઘટાડો નોંધાયો છે. અમેરિકી ખંડમાંથી આવતા કુલ પ્રવાસીઓમાં માત્ર ૪.૨% ના સામાન્ય વધારાનો અંદાજ છે.
ભારત અને ચીન બન્યા ‘તારણહાર’
જ્યાં પશ્ચિમી દેશો પાછળ પડી રહ્યા છે, ત્યાં એશિયાના બે દિગ્ગજ દેશોએ યુરોપિયન ટુરિઝમને નવી ગતિ આપી છે. વર્ષ ૨૦૨૫ ની તુલનામાં ૨૦૨૬ માં ચીનથી યુરોપ આવતા પ્રવાસીઓમાં ૨૮% નો જંગી વધારો થવાની ધારણા છે. જ્યારે ભારતમાંથી યુરોપ જનારા પ્રવાસીઓની સંખ્યામાં ૯% ની વૃદ્ધિનો અંદાજ છે. આ આંકડાઓ દર્શાવે છે કે એશિયન દેશો હવે યુરોપ માટે સૌથી મોટા 'સોર્સ માર્કેટ' બની રહ્યા છે.
સસ્તી મુસાફરીને બદલે ‘પ્રીમિયમ અનુભવ’ પર ભાર
નવો ટ્રેન્ડ એ પણ સૂચવે છે કે હવે પ્રવાસીઓ માત્ર ફરવા ખાતર ફરવાને બદલે 'હાઈ-વૅલ્યુ એક્સપિરિયન્સ' (શ્રેષ્ઠ અનુભવ) પાછળ વધુ ખર્ચ કરી રહ્યા છે. લુફ્થાન્ઝા (Lufthansa) અને એર ફ્રાન્સ-કેએલએમ (Air France-KLM) જેવી મોટી એરલાઈન્સે નોંધ્યું છે કે પ્રીમિયમ ક્લાસમાં બુકિંગ વધ્યું છે, જ્યારે ઇકોનોમી ક્લાસમાં ઘટાડો થયો છે. વર્ષ ૨૦૨૬ માં યુરોપમાં ટ્રાવેલ સ્પેન્ડિંગ (પ્રવાસ ખર્ચ) માં ૯.૭% નો વધારો થવાની સંભાવના છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
ETC ના પ્રમુખ મિગેલ સાન્જના જણાવ્યા અનુસાર, યુરોપ હવે એક ભરોસાપાત્ર ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે. અમેરિકન પ્રવાસીઓની સંભવિત અછતને ભારત અને ચીન જેવી નવી બજારો માત્ર પૂરી જ નથી કરી રહી, પરંતુ યુરોપિયન ટુરિઝમને લાંબા ગાળાની સ્થિરતા પણ પ્રદાન કરી રહી છે.