આજે ફરી એક વખત ચાંદીના ભાવમાં રૂપિયા 1 લાખથી વધુનો કડાકો જોવા મળ્યો છે, જ્યારે સોનાના ભાવમાં પણ રૂપિયા 20,000નો ઘટાડો નોંધાયો છે. આવતીકાલે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કેન્દ્રીય બજેટ 2026-27ની જાહેરાત થવા જઈ રહી છે. ત્યારે દેશમાં સોના અને ચાંદીના ભાવમાં થઈ રહેલી ઉથલ-પાથલ, વૈશ્વિક અનિશ્ચિતતા અને ગ્રાહકોની ખરીદ પસંદગીમાં થઈ રહેલા ફેરફારોની વચ્ચે સોના-ચાંદી ઉદ્યોગ પણ અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યો છે. 'આજકાલ' દ્વારા રાજકોટમાં સોના અને ચાંદી ઉદ્યોગ સાથે સંકળાયેલા રાજકોટ સિલ્વર મેન્યુફેક્ચરર એસોસિએશન, રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશન, રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન સહિત વિવિધ એસોસિયેશનના અગ્રણીઓ સાથે બજેટ પાસેની અપેક્ષા વિશે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સોના ચાંદીના ઉદ્યોગને મજબૂતી મળે તેવા પગલાની અપેક્ષા અગ્રણીઓએ દર્શાવી હતી.
રાજકોટની સોની બજારના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે વર્તમાનમાં સોના અને ચાંદીના ભાવોમાં થઈ રહેલા વધારા-ઘટાડા પાછળ સલામત રોકાણ તરફી વલણ, કેન્દ્રીય બેંકોની ખરીદી, અમેરિકન ફ્રેડ રિઝર્વ દ્વારા વ્યાજ દર ઘટાડો અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં થઈ રહેલું વધુ રોકાણ જવાબદાર છે. સોના અને ચાંદીના આવો ભારે ઉતાર- ચઢાવ વચ્ચે પણ ગ્રાહકોની માંગ સ્થિર જોવા મળી રહી છે. જોકે ગ્રાહકો સમજી વિચારીને ખરીદી કરી રહ્યા છે. જે દર્શાવે છે કે સોના-ચાંદીએ ભાવનાત્મક નહીં પરંતુ સલામત નાણાકીય રોકાણ માટેનું એક સાધન છે.
આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવની દેશના અર્થતંત્ર પર મોટી અસર જોવા મળી શકે છે. ત્યારે રાજકોટના સોના-ચાંદીના ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ સરકાર પાસેથી જીએસટી તથા ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો અને કેપિટલ ગેઈન ટેક્સમાં રાહત તેમજ જીએસટીમાં રિફંડની સુવિધા ઈચ્છી રહ્યા છે. ટૂંકમાં વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સોના ચાંદી-ઉદ્યોગ એક સંતુલિત બજેટની ઝંખના કરી રહ્યો છે. કે જે આભૂષણોને સસ્તા બનાવે, કારીગરોને રોજગારી આપે, ઘડામણ તથા નિકાસને મજબૂત બનાવે અને વૈશ્વિક બજારમાં મજબૂતી પ્રસ્થાપિત કરે.
સોના-ચાંદી પર જીએસટી ઘટાડીને 1.5 ટકા કરવામાં આવે : અલ્પેશભાઈ લુણાગરિયા
વૈશ્વિક ભૂ-રાજકીય પરિબળોના કારણે સૌરાષ્ટ્રના સોના અને ચાંદીના ઉદ્યોગને માઠી અસર પડી રહી છે. રાજકોટના સોના અને ચાંદી ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો કારીગરો પણ બેકાર બન્યા છે. ત્યારે સિલ્વર મેન્યુફેક્ચરર એસોસિએશનના પ્રમુખ અલ્પેશભાઈ લુણાગરિયા જણાવી રહ્યા છે કે કેન્દ્રીય બજેટમાં ચાંદી અને સોના બંને પર લાગતો જીએસટી ત્રણ ટકામાંથી ઘટાડીને 1 થી 1.5 ટકા એટલે કે અડધો કરી નાખવામાં આવે તો સોના-ચાંદી ઉદ્યોગ ફરીથી ધબકતો થઈ શકે. ચાંદીના ભાવ 45 થી 50,000 હતા ત્યારે 3 ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો. જ્યારે અત્યારે સોના અને ચાંદીના ભાવ આભની ઊંચાઈ આંબીને ક્યારેક નીચે પટકાય છે. આમ, છતાં ભાવ સામાન્ય કરતાં ઘણા વધારે છે. આ પરિસ્થિતિમાં જો જીએસટી ઘટાડવામાં આવે તો સોના-ચાંદી ઉદ્યોગને મોટી રાહત થઈ શકે. ત્યારે ભૂતકાળમાં સરકાર દ્વારા રત્નકલાકારો માટે વિશેષ પેકેજમાં જાહેરાત કરવામાં આવી હતી તે પ્રકારના પેકેજની જાહેરાત કરવામાં આવે તો બજારમાં સ્થિરતા આવી શકે. ડોલરના ભાવની અસરથી ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો થતા આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી બંને ધાતુઓના ભાવ પાડોશી દેશો ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વગેરેની સરખામણીમાં ખૂબ જ ઊંચા છે. ત્યારે ઈમ્પોર્ટ ડ્યુટી અને જીએસટીના કારણે સ્થાનિક બજારમાં પણ ભાવ ઊંચા રહેતા લોકોની ખરીદશક્તિ ઘટી જાય છે. જેના કારણે લોકો દ્વારા સોના-ચાંદીની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આ માટે સરકારે સોના અને ચાંદી પર લાદવામાં આવતી જીએસટી ઉપરાંત ઈમ્પોર્ટ ડ્યુટી પણ ઘટાડવી જોઈએ.
સોના પર 3 ટકા જીએસટી અને 6 ટકા આયાત ડ્યુટી મુદ્દે પુનર્વિચાર થાય : ભાયાભાઈ સાહોલિયા
ગોલ્ડ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાના જણાવ્યા પ્રમાણે ગત વર્ષ સોની બજાર માટે સામાન્ય રહ્યું હતું. સોનાના ભાવ વધારાની અસર સ્થાનિક બજાર પર જોવા મળી હતી. એવામાં આ વર્ષે સોના અને ચાંદીના વધતા ભાવને માત્ર ગ્રાહકો જ નહીં વેપારીઓ પણ પચાવી શકતા નથી. ત્યારે આગામી વર્ષમાં ઘરેણાંની સસ્તી ઉપલબ્ધતા મહત્વપૂર્ણ રહેશે નાની-ટિકિટ વસ્તુઓના નિયમન અને ઘરેણાં પરના હાલના 3 ટકા જીએસટીની સમીક્ષા, 6 ટકા આયાત ડ્યુટી પર પુનર્વિચાર, કારીગરો માટે તાલીમ, સ્થાનિક માંગને પહોંચી વળવા માટે એસીજી એકમો માટે ટેકનોલોજી અને સુગમતાનું સૂચન કર્યું છે.
કેપિટલ ગેઈન ટેક્સમાં રાહત, સોનાની ખરીદી પર જીએસટી રિફંડ સુવિધા મળે : મથુરભાઈ આડેશરા
રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ આડેસરાના જણાવ્યા પ્રમાણે વર્તમાન સમયમાં સોનાના ભાવમાં થઈ રહેલા વધારા ઘટાડાથી ગ્રાહકો અને વેપારીઓ બંને મુશ્કેલીમાં મુકાયા છે. પહેલા એક વર્ષમાં જે રીતે ભાવમાં જે રીતનો વધારો નોંધાયો છે, ત્યારે સોની બજારમાં ધંધા પર માંથી અસર પડી રહી છે. સરકાર દ્વારા સોના પર લાદવામાં આવતો જીએસટી અને ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવે તે આવશ્યક છે. આ ઉપરાંત સોનીબજારમાં સર્વિસ પ્રોવાઇડર પર લાગુ કરાયેલો પાંચ ટકા જીએસટી પણ ઘટાડવામાં આવે, સરકાર દ્વારા હોલમાર્ક વાળા આભૂષણો હપ્તેથી ખરીદી કરવાની છૂટ મળે, કેપિટલ ગેઈન ટેક્સમાં રાહત મળે આ ઉપરાંત સોનાની ખરીદી પરના જીએસટીમાં રિફંડની સુવિધા આપવામાં આવે તો સોની બજારના અને ગ્રાહકો બંનેને લાભ થાય.