જામનગરમાં એસઆઇઆરની કામગીરીમાં શિક્ષકોની વ્યસ્તતા વચ્ચે ગણીત- વિજ્ઞાન પ્રદર્શનથી આશ્ર્ચર્ય
જામનગરમાં એસઆઇઆરની કામગીરીમાં શિક્ષકોની વ્યસ્તતા વચ્ચે ગણીત- વિજ્ઞાન પ્રદર્શનથી આશ્ર્ચર્ય
November 21, 2025 12:08 PM
જામનગરમાં સરકારી શાળાના મોટા ભાગના શિક્ષકો કે જેમના બીએલઓના ઓર્ડર નીકળ્યા છે અને એસઆઇઆરની કામગીરીમાં વ્યસ્ત છે ત્યારે શહેરકક્ષાના ગણીત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવતા ભારે આશ્ર્ચર્ય સર્જાયું છે. વળી ૨૧ નવેમ્બરના કાર્યક્રમની જાણ ૧૯ નવેમ્બરના રાત્રીના આચાર્યોને કરવામાં આવતા અનેક સવાલ ઉઠ્યા છે. પરંતુ હાલમાં એસઆઇઆરની કામગીરીના કારણે એક પણ સરકારી શાળામાં પૂરતો સ્ટાફ ન હોય ત્યારે પ્રદર્શનના તાયફા મશ્કરીરૂપ હોવાની રાવ શિક્ષકોમાં જોરશોરથી ઉઠી છે.
જામનગર શહેર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન તા.૨૧/૧૧/૨૫ સવારે ૯ કલાકે મોડેલ ઇંગ્લિશ સ્કૂલ નં.૧ દેવરાજ દેપાળ ખાતે કરેલ છે. જેમાં ક્લસ્ટર કક્ષાએ તમામ પાંચ વિભાગમાંથી પ્રથમ વિજેતા કૃતિઓ રજૂ કરવાની રહેશે અને આ કૃતિઓ નિયત સ્થળે સવારે ૮ વાગે પહોંચી જાય તેવી સૂચના જવાબદાર શિક્ષકોને આપવા લગત શાળાના આચાર્યોઓએ નોંધ લેવાની જાણ સોશ્યીલ મીડીયાના માઘ્યમથી સરકારી શાળાના આચાર્યોને કરવામાં આવી છે. પરંતુ ૨૧ તારીખે શહેર કક્ષાના વિજ્ઞાન મેળાની સૂચના ૧૯ તારીખે રાત્રે એટલે શાળાને તૈયારી માટે એક જ દિવસનો સમય આપ્યો. આ પરથી ઢંગધડા વગર આ આયોજન કરવા ખાતર કરવામાં આવ્યાની રાવ આચાર્યો અને શિક્ષકોમાં ઉઠી છે.
તમામ અધિકારી અને પદાધિકારી જાણે છે કે હાલ રાજ્યની એકપણ શાળામાં પૂરો સ્ટાફ નથી. મોટાભાગનો સ્ટાફ એસઆઇઆરની કામગીરીમાં વ્યસ્ત છે છતાં ત્યારે આ પ્રકારના તાયફાથી શિક્ષણને મશ્કરીરૂપ બનાવી રહ્યાં છે. ખરેખર એસઆઇઆરની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી એકપણ કાર્યક્રમ શાળા મારફત થઈ શકે તેમ નથી. મોટાભાગની શાળામાં અડધો અને કેટલીક શાળાઓમાં આખા સ્ટાફના બીએલઓના ઓર્ડર નીકળ્યા છે. ત્યારે ભણાવવાની વાત તો બાજુએ રહી પણ વિધાર્થીઓને સાચવવા માટે પણ શાળામાં શિક્ષકો નથી તેમાં વિજ્ઞાન મેળા કેવી રીતે થાય ? તે સળગતો સવાલ છે.