BREAKING NEWS

અમીત ચાવડા, મુકુલ વાસનીક, તુષાર ચૌધરી જામનગરમાં: ભાજપ પર આકરા પ્રહાર

  • November 12, 2025 02:10 PM 


જામનગરમાં યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ સભામાં એસઆઇઆર, મોંઘવારી, બેરોજગારી અને ખેડુતોના પ્રશ્ર્ને કોંગીના દિગ્ગજ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં, આ જન આક્રોશ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા સહિતના કોંગીના દિગ્ગજો હાજર રહ્યા હતાં તથા કોંગી આગેવાનોએ માવઠાના મારથી બેહાલ ખેડુતો માટે જાહેર કરવામાં આવેલું રાહત પેકેજ ખુબ જ મામુલી હોવાનો આક્ષેપ કરી સરકારની નીતિ-રીતિઓની આકરી ટીકા કરી હતી.


ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ખેડુતોને માવઠાના મારને કારણે થયેલી પારાવાર પાક નુકશાની તેમજ લોકોના પ્રશ્ર્નને વાંચા આપવા જન આક્રોશ સભાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત બુધવારના જામનગરમાં સમર્પણ સર્કલ નજીક કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઇ હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઇ ચાવડા, ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા તુષાર ચૌધરી, ગુજરાત કોંગી પ્રભારી મુકુલ વાસ્મીક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, પૂર્વ કેબીનેટ મંત્રી દિનેશભાઇ પરમાર, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, એનએસયુઆઇ યુવક કોંગ્રેસ પ્રમુખ તૌસીફખાન પઠાણ, ગુજરાત પ્રદેશ મહામંત્રી સહારાબેન મકવાણા સહિતના કોંગી આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.



 સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લામાં યોજાનાર જન આક્રોશ સભામાં ખેડુતોના સંપૂર્ણ દેવા માફી સાથેની માંગ કરવામાં આવી હતી, આ જન આક્રોશ સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, શહેર કોંગી પ્રમુખ દિગુભા સહિતના કોંગી આગેવાનોએ માવઠાના મારથી ખેડુતોના પાકને પારાવાર નુકશાની થઇ છે ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું રાહત પેકેજ ખુબ જ મામુલી ગણાવી રાહત પેકેજની બદલે ખેડુતોના દેવા સંપૂર્ણ માફ કરવા જણાવ્યું હતું. આટલું જ નહીં જામનગર સહિત હાલમાં રાજયભરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા એટલે કે એસઆઇઆરની કામગીરીમાં પણ ગંભીર છબરડા અને લોલમલોલ ચાલી રહ્યાનો આક્ષેપ પણ કર્યો હતો, તદુપરાંત કોંગી નેતાઓએ રાજયમાં પ્રવર્તી રહેલી બેરોજગારી, મોંઘવારીના મુદે પણ સરકાર પર આકરા પ્રહારો કરી આ મુદે સરકારની નીતિ-રીતિઓની ટીકા કરી હતી. ખાસ કરીને ખેડુતોના પ્રશ્ર્ને કોંગી નેતાઓએ સરકાર પર સણસણતા આક્ષેપો કર્યા હતાં.

​​​​​​​


જન આક્રોશ સભામાં મોટી સંખ્યામાં ખેડુતો પણ ઉમટી પડયા હતાં, ખેડુત આક્રોશ યાત્રામાં માવઠાના માર અને અહંકારી સરકારના અણધડ વહિવટ પર કોંગી નેતાઓએ પ્રહારો કરી ખેડુતો બેહાલ થયા હોવા છતાં સરકાર દ્વારા મામુલી સહાય કરવામાં આવી હોવાનું કોંગી નેતાઓએ જણાવ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application