કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના પ્રવાસે આવ્યા છે. તેઓએ એએમસીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદના પશ્રિમ વિસ્તારમાં આધુનિક ટેકનોલોજીની મદદથી ખાડો ખોદ્યા વિના તૈયાર થયેલી 27 કિમી લાંબી ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2029માં પણ નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન બનશે, સાથે જ તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે 'રાહુલ બાબા, હારથી થાકો નહીં'. શાહે વિપક્ષની ટીકા કરતા ઉમેર્યું હતું કે, જે બાબતો જનતાને ગમે છે તમે હંમેશા તેનો જ વિરોધ કરો છો, તો પછી જનતા તમને મત ક્યાંથી આપે? વિકાસના કાર્યોની પ્રશંસા કરતા તેમણે આ નવી ડ્રેનેજ લાઇનને એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો ગણાવ્યો હતો.
તમામ લોકો માટે આ પ્રક્રિયા કાયદેસર થઈ ગઈ છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે આનંદ થાય તેવી કાર્યક્રમ છે. ખૂબ નાનકડો પણ મોટો પ્રસંગ વણઝરમાં થયો છે. 73માં જેમનું બધું જ ઉજડી ગયું તેવા કેટલાક લોકો તે સમયે અહીંયા આવીને વસ્યા. 50 વર્ષ પેઢીએ સુધી રહ્યા પરંતુ પ્લોટની માલિકી કોઈક કારણસર અટકી ગઈ હતી. અમિત ઠાકરે આ મુદ્દાનો ઉકેલ લાવવા કામ કર્યું તે મહત્વનું છે. ફાઈલોને અંજામ સુધી અમિત ઠાકરે કામ કર્યું છે. લોકોના જીવનમાં આજે ઘણો મોટો પ્રસંગ છે. આજથી આ તમામ લોકો માટે આ પ્રક્રિયા કાયદેસર થઈ ગઈ છે.
કોઈ મોટું આંદોલન થયું નથી કોઈએ મને રોક્યો પણ નથી
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ સંસદમાં એક વિચિત્ર સવાલ કર્યો કે દર વખતે અમે કેમ ચૂંટણી હારી જઇએ છીએ અરે રાહુલ ગાંધી અમારી વિનંતી છે કે આ બે કાર્યક્રમ સમજી લો તો તમને સમજાઈ જશે કે તમે કેમ ચૂંટણી હારો છો. કોઈ મોટું આંદોલન થયું નથી કોઈએ મને રોક્યો પણ નથી. કોઈએ પણ કશું પણ કહ્યા વગર વર્ષો જૂની માંગણી સંવેદનશીલતાના કારણે પૂરી થઈ છે. જનતા માંગણી કરે કે ન કરે પરતું તેનું કામ કરવાનું કામ ભાજપ અને નરેન્દ્ર મોદીએ કહ્યું છે. 15 લાખ લોકોની વસ્તીની ગટરની વ્યવસ્થા ન હોવા છતાં ક્યારેય પણ કોઈએ કોઈ આંદોલન કર્યું નથી. જેથી રાહુલ ગાંધીએ આ સમજવાની જરૂર છે પરંતુ જે તેમનો વિષય નથી SIR જેવી વસ્તુઓમાં ધ્યાન આપે છે.
બંગાળ અને તમિલનાડુમાં પણ હરાવીશું
શાહે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, બંગાળ અને તમિલનાડુમાં પણ હરાવીશું તે નક્કી કરીને રાખ્યું છે. ફરી એક વખત મોદીની સરકાર બનશે. રામ મંદિર બનાવીએ તો તમે તેનો વિરોધ કરો છો. જે પણ નિયમ લાવીએ તેનો તમે વિરોધ કરો છો તો તમને ક્યાંથી મત મળવાના છે. જેને પોતાની પાર્ટી નથી સમજાવી શકી તેને અમે કઈ રીતે સમજાવી શકીશું.
પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરીએ તમે વિરોધ કરો
અમે રામ મંદિર બનાવીએ તમે વિરોધ કરો, પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરીએ તમે વિરોધ કરો, એર સ્ટ્રાઇક કરીએ તમે વિરોધ કરો, બાંગ્લાદેશી ઘુસણખોરો ભગાવીએ વિરોધ કરો, કાશીનું મંદિર બનાવીએ વિરોધ કરો, ટ્રિપલ તલાક 370ની કલમ હટાવીએ તમે વિરોધ કરો, કોમન સિવિલ કોડ લાવીએ તેનો વિરોધ કરો. જનતાને જે ગમે છે તેનો તમે વિરોધ કરો છો, ક્યાંથી મત મળે ભાઈ. રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારી પણ નથી. જેને પોતાની પાર્ટી વાળા સમજાવી ન શકે તેને વિરોધ કરવા વાળા ક્યાંથી સમજાવી શકે.