BREAKING NEWS

રાશન કાર્ડ માટે રૂ. ૫ થી ૩૫ હજારની માંગણી સાથેનો કથિત ઓડિયો વાયરલ થતા ખળભળાટ

  • July 25, 2026 09:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



શહેરમાં વિવિધ સરકારી કચેરીઓમાં અનેકવાર વચેટીયાઓ કામગીરીના બહાને અરજદારો પાસેથી રૂપિયા પડાવતા હોય તેવા બનાવો પ્રકાશમાં આવતા હોય છે ત્યારે વધુ એક વખત રાશન કાર્ડની કામગીરી માટે અરજદાર પાસે રૂપિયાની માંગણી કરતા એક વચેટિયાનો કથિત ઓડિયો વાયરલ થયો છે. જેમાં કામ થઈ જાય પછી જ રૂપિયા આપવાનું પણ આશ્વાશન આપવામાં આવ્યું છે. આ ઓડિયો વાયરલ થયા બાદ ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
રાજકોટની જૂની કલેકટર કચેરી તેમજ શહેરની અન્ય મામલતદાર કચેરીઓમાં વિવિધ કામગીરીઓ માટે એજન્ટો કચેરીએ આવતા અરજદારોને લૂંટતા હોય તેવા આક્ષેપો અવારનવાર થતા હોય છે ત્યારે ઉપરોક્ત હકીકતને સમર્થન આપતી એક ચોંકાવનારી ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં એજન્ટ વિવિધ પ્રકારના રાશન કાર્ડ માટેના ભાવો વિશે અરજદારને જણાવી રહ્યો છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપ મુજબ, એજન્ટ અને અરજદાર વચ્ચે થયેલી વાતચીતમાં એજન્ટ વિવિધ રાશન કાર્ડની કામગીરીના આશરે રૂપિયા પાંચથી પાંત્રીસ હજાર અરજદાર પાસે માંગણી કરી રહ્યો છે. તેમજ અરજદારને રૂપિયા કાર્ડ આવી ગયા બાદ આપવાનું પણ આશ્વાશન આપવામાં આવ્યું છે. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખી નિવાસી અધિક કલેક્ટર જે.એચ. બારોટને આ બાબતની માહિતી મળતા તેમણે શહેર પુરવઠા અધિકારી તેમજ મામલતદારોને આ બાબતે તપાસ કરવા સૂચના આપી છે. સાથોસાથ પશ્ચિમ મામલતદાર કચેરીના મામલતદારે કચેરીમાં બેસતા પીટીશન રાઇટરો તેમજ સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સની ચકાસણી કરી હતી. ત્યારે થોડા સમય પહેલા જ દક્ષિણ મામલતદારે પણ કચેરી બહાર ગેરકાયદે બેસતા તમામને કચેરી નજીકથી હટાવ્યા હતા. જોકે જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં કોઈ વચેટીયાઓ દ્વારા કોઈ ગેરરીતિઓ કે ગેરવહીવટ ચાલી રહા છે કે કેમ તેતો તપાસને અંતે જ બહાર આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application