રાજકોટની સોની બજારના વધુ એક સોની વેપારી સાથે છેતરપિંડીની ઘટના બની છે. આ વખત છેતરપિંડી કરનાર કોઇ બંગાળી કારીગર નહીં પરંતુ રાજકોટના જ અમીન માર્ગ પર રહેતો અન્ય વેપારી છે. જાગનાથ પ્લોટમાં રહેતા સોની વેપારી પાસેથી નીયમીત સોનું લઇ જઇ દાગીના બનાવી આપનાર શખસે વેપારીનો વિશ્વાસ જીતી લીધા બાદ કળા કરી હતી. વેપારી પાસેથી રૂ.૧.૦૫ કરોડનું સોનું દાગીના બનાવવા માટે મેળવી લીધા બાદ આ સોનું ઓળવી ગયો હતો. જેથી આ અંગે સોની વેપારીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના જાગનાથ પ્લોટ-4 માં પાર્શ્વ વિલા એપાર્ટમેન્ટમાં રહેતા સોની વેપારી ભાવીકભાઇ જયેશભાઇ શાહ(ઉ.વ.૪૪) એ એ ડિવિઝનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શ્યામ સુરેશભાઈ પટણી (રહે. રવિ મેનોર એપાર્ટમેન્ટ, તપોવન સોસાયટી શેરી નં.-6, અમીન માર્ગ, રાજકોટ)નું નામ આપ્યું છે.
સોની વેપારીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેમને સોની બજાર મેઇન રોડ ઉપર બોઘાણી શેરી પાસે આર.પી.ઓર્નામેન્ટ નામની પેઢી મારા પિતા જયેશભાઇ રાયચંદભાઈ શાહના નામે આવેલી છે, જેમાં તે પાવર ઓફ એટર્ની હોલ્ડર છે. પેઢીનો તમામ વહીવટ તેઓ કરે છે. સોની બજારમા ઘણા વેપારીઓ સાથે વેપાર કરે છે. તેવી જ રીતે તેઓ મેસર્સ ઓરીએટ નામની પેઢી જે સોની બજારના પેલેસ રોડ પર જયરાજ પ્લોટ 1/3 ના ખૂણે આવેલી છે. જે પેઢી સાથે વેપારી પાંચ વર્ષથી વેપાર કરીએ છે. ઓરીએટ પેઢીનો વહીવટ શ્યામ સુરેશભાઇ પટણી કરતો હતો. જેને વેપારી સોનાના દાગીના બનાવવા માટે ફાઇન સોનુ આપતા હતા. શ્યામ પટણી સોનાના દાગીના બનાવાવા માટે સોનુ લઈ જતો ઓર્ડર મુજબ સોનાના દાગીના બનાવી આપતો તો. જે કામ સામે ઓર્ડર અને સોનાના દાગીનાની અલગ અલગ ડીઝાઇન મુજબ અલગ અલગ જોબ વર્કની મજૂરી વેપારી આપતા હતા. વર્ષ ૨૦૨૨ થી આ પ્રકારે તેમની સાથે વેપાર કરતા હતાં.
ગત તા.૨/૦૯/૨૦૨૬ ના રોજ અમારી પેઢીમાંથી શ્યામ ૫ટણીને ૬૫૬.૮૧૦ ગ્રામ સોનુ (૯૯૫ %) (૬૫૩.૫૨૬ ગ્રામ ફાઇન સોનુ (૯૯૯ %) અને અલોય ૫૫.૦૯૨ ગ્રામના અલગ અલગ મિક્ષ ડીઝાઇનના દાગીના બનાવવા માટે આપ્યું હતુ. પરંતુ શ્યામ પટણીએ ઓર્ડર મુજબના દાગીના બનાવી પરત આપેલ નહીં. જે સોનાની હાલની બજાર કિંમત આશરે ૧.૦૫ કરોડ રૂપીયા થાય છે. જે ૬૫૩.૫૨૬ ફાઇન ગ્રામ સોનુ મારે શ્યામ પટણી પાસેથી પરત લેવાનુ હોય જે અવાર નવાર માગવા છતા આપતા ન હોય અને ખોટા બહાના કાઢતા હતા. જેથી રૂ. 1.05 કરોડનું સોનું શ્યામ પટણી ઓળવી જતાં અંતે સોની વેપારીએ એ ડિવિઝન પોલીસ મથકે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.