રાજકોટ એસટી બસપોર્ટથી ઉપડતી લોકલ બસોમાં ડ્રાઈવર-કંડક્ટરની મનમાનીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. લોકલ રૂટ હોવા છતાં બસોમાં વાદળી કલરના (ઇન્ટરસિટી/એક્સપ્રેસ) બોર્ડ લગાવીને ગ્રામીણ મુસાફરોને મળતી સુવિધા છીનવી લેવાતી હોવાની ફરિયાદ ઉઠી છે.
વિશેષમાં મુસાફર જનતામાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટથી જામનગર (સવારે ૫ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી), રાજકોટથી જેતપુર, ધોરાજી (સવારે ૬:૩૦), અમરેલી, ગોંડલ, ચોટીલા-સુરેન્દ્રનગર, મોરબી સહિતના અનેક રૂટ લોકલ હોવા છતાં બ્લૂ બોર્ડ ચડાવી એક્સપ્રેસની જેમ ચલાવવામાં આવે છે.
લોકલ બસ ગામડે-ગામડે ઉભી રહે છે, જ્યારે એક્સપ્રેસ/બ્લૂ બોર્ડની ઇન્ટરસિટી બસ નાના ગ્રામ્ય સ્ટોપ ઉપર ઉભી રહેતી નથી, જેના કારણે ગ્રામ્ય મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ રીતે નિયમ વિરુદ્ધ બોર્ડ બદલવાથી નિગમની આવક અને પ્રતિષ્ઠા બંનેને નુકસાન થઈ રહ્યું છે.આ મામલે તંત્ર દ્વારા કોઈ કડક પગલાં ન ભરાતા મુસાફરોમાં રોષ પ્રસર્યો છે.
ઉપરોક્ત બાબતે વિભાગીય નિયામક, ડેપો મેનેજર સહિતના જવાબદાર ડેપો સ્ટાફ તેમજ લાઇન ચેકીંગ સ્ક્વોડ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરીને મનમાનીપૂર્વકના રૂટ બોર્ડ મૂકનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાય તેવી માંગ મુસાફરોમાંથી ઉઠવા પામી છે. રાજકોટ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના પ્રસિધ્ધિ પ્રેમી નિવેદનીયા નેતાઓ આ મામલે ચુપ છે.