જામનગરમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન સેવાથી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ
મંત્રી, સાંસદ, મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના મહાનુભાવોએ જ્યોત પ્રગટાવી “સેવા જ્યોતિ યાત્રા” નો પ્રારંભ કરાવ્યો
વિકસિત ભારત @૨૦૪૭ માત્ર લક્ષ્ય નહીં, પરંતુ દેશવાસીઓનો સહિયારો સંકલ્પ : મંત્રી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાનિદર્શનમાં ૨૫ વર્ષમાં ગુજરાતે વિકાસના અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી : સાંસદ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને જામનગરમાં લેઉઆ પટેલ સમાજ, રણજીતનગર ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ હતી.
કાર્યક્રમમાં પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, જનજનની સુખાકારી અને દરેક નાગરિક સુધી આધુનિક સુવિધાઓ પહોંચાડવી, એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. ગુજરાતે છેલ્લા ૨૫ વર્ષમાં વિકાસના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને આજે ગુજરાતની વિકાસયાત્રા ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે આગળ વધી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશ વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે. ભારત આજે વિશ્વમાં પોતાની આગવી ઓળખ સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વિકાસયાત્રાને વધુ મજબૂત બનાવવા સરકારની સાથે સમાજના દરેક વર્ગની ભાગીદારી પણ એટલી જ જરૂરી છે.
‘સેવા જ્યોતિ યાત્રા’ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ સેવા, સંકલ્પ અને જનભાગીદારીનો સંદેશ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું વિઝન આપ્યું છે. ‘વિકસિત ભારત @2047’ માત્ર સરકારનું લક્ષ્ય નથી, પરંતુ દેશના દરેક નાગરિકના સહિયારા સંકલ્પ અને યોગદાનથી સાકાર થનાર રાષ્ટ્રનિર્માણની યાત્રા છે.
કાર્યક્રમમાં સાંસદ પુનમબેન માડમે જણાવ્યું હતું કે, જનજનની સુખાકારી અને સુવિધાઓ સુનિશ્ચિત કરવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાના ભાગરૂપે છેલ્લા ૨૫ વર્ષ દરમિયાન ગુજરાતે વિકાસના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને દિશાદર્શનમાં જનસુવિધાઓને વધુ સુદૃઢ અને આધુનિક બનાવવાની સાથે વિકાસની ગતિને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ છે.
ગુજરાત પોતાની વિકાસયાત્રાને ‘વિકસિત ભારત’ની પરિકલ્પના સાથે જોડીને સર્વાંગી અને સર્વસમાવેશક વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. ભારત વિશ્વમાં ઝડપથી આગળ વધી રહેલા દેશોમાં અગ્રેસર છે ત્યારે ગુજરાત પણ વિકાસના નવા આયામો સર કરી ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
ભારત એક એવી ઉર્જા અને સંભાવનાઓથી ભરપૂર ભૂમિ તરીકે વિશ્વના મંચ પર આગળ વધી રહ્યું છે, જે આવનારા દિવસોમાં વિશ્વની અગ્રણી અને મજબૂત અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં દેશ આગળ વધી રહ્યો છે. આ વિકાસયાત્રામાં દેશના દરેક નાગરિકનું યોગદાન મહત્વપૂર્ણ છે.
કાર્યક્રમમાં સૌ મહાનુભાવોએ જામનગર જિલ્લાની વિવિધ શાળાના બાળકોએ "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત અનાજ - કઠોળ માંથી બનાવેલ રંગોળી પ્રદર્શન નિહાળ્યુ હતું. તેમજ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓનું સન્માન કર્યું હતું.
કાર્યક્રમમાં મહાનુભાવો સહિત ઉપસ્થિત સૌએ વડાપ્રધાનના દિલ્હી ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. અને વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી. અને મંત્રી સહિતના મહાનુભાવોએ સેવા જ્યોત પ્રજ્વલ્લિત કરી સેવા જ્યોતિ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રા રણજીતનગરથી સાત રસ્તા સર્કલ પહોંચી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી. જ્યારે અન્ય રૂટ રણજીતનગરથી પવનચક્કી થઈ સુમેરક્લબ રોડથી સાત રસ્તા અને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી.
કાર્યક્રમમાં મેયર મોનિકાબેન વ્યાસ, જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, મહાનગર પાલિકાના કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રૂપડિયા,પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા, અગ્રણીઓ આશાબેન નકુમ અને ડો.વિનોદભાઈ ભંડેરી, પદાધિકારીઓ, અધિકારીઓ, આગેવાનો, વિવિધ વિભાગોના કર્મચારીઓ,વિદ્યાર્થીઓ,શિક્ષકો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.