ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલા પ્રાચીન બળિયાદેવ મંદિર ટ્રસ્ટમાં પ્રમુખ બનવા માટે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પ્રમુખ પદ મેળવવા માટે જીવિત ટ્રસ્ટીને કાગળ પર મૃત જાહેર કરીને ટ્રસ્ટમાંથી તેમનું નામ કમી કરાવી દેવામાં આવ્યું હતું. ભરૂચ ચેરિટી કમિશનર સમક્ષ ખોટા દસ્તાવેજો રજૂ કરીને આ ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, બળિયાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ બનવા માટે નવીનચંદ્ર ડાહ્યાભાઈ રાણાએ પોતાના માણસોને ટ્રસ્ટી બનાવવા માટે જીવિત ટ્રસ્ટી અશ્વિનભાઈ રમણભાઈ માસ્તરને નોટરી કરેલા સોગંદનામામાં મૃત બતાવી દીધા હતા. આ ખોટા આધારે ભરૂચ ચેરિટી કમિશનર સમક્ષ દસ્તાવેજો રજૂ કરી અશ્વિનભાઈનું નામ ટ્રસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું હતું અને નવા ટ્રસ્ટીઓની નિમણૂકનો હુકમ પણ મેળવી લેવાયો હતો. જો કે, આ સમગ્ર પ્રક્રિયામાં દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કરવામાં આવી ન હતી. ત્યારબાદ આ હુકમ વિરુદ્ધ સુરત ચેરિટી કમિશનર સમક્ષ અપીલ કરવામાં આવતા આખો મામલો બહાર આવ્યો હતો.
સુરતથી નોટિસ મળ્યા બાદ અશ્વિનભાઈ રૂબરૂ કચેરીએ પહોંચ્યા હતા અને અધિકારીઓ સમક્ષ પોતાના જીવિત હોવાના પુરાવા રજૂ કરીને કહ્યું હતું કે તેઓ હજી હયાત છે. આ પુરાવાઓને ધ્યાને લઈને સુરત ચેરિટી કમિશનરે ભરૂચ ચેરિટી કમિશનરના હુકમ પર સ્ટે આપી દીધો હતો. ત્યારબાદ અશ્વિનભાઈએ ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જઈને લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નવીન રાણા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે, જેમાં નોટરી કે વકીલની સંડોવણી જણાશે તો તેમને પણ આરોપી બનાવવામાં આવશે તેમ જણાવ્યું છે.
આ કેસમાં નોટરી એડવોકેટ ચિરાગ પરમારનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. અગાઉ વાગરા પંથકમાં કરોડો રૂપિયાના મીઠાના અગરના નકલી દસ્તાવેજોના પ્રકરણમાં તેમની ધરપકડ થઈ ચૂકી છે. જેલમાંથી મુક્ત થયા બાદ આ નવા કેસમાં પણ જીવિત વ્યક્તિને મૃત દર્શાવતા સોગંદનામા પર નોટરી કરી આપવાનો ગંભીર આરોપ તેમના પર લાગ્યો છે. જેમ જેમ પોલીસ તપાસ આગળ વધશે તેમ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ચેહરાઓ પણ બહાર આવે તેવી પૂરી શક્યતા છે.