અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરનું અમરેલીમાં નિધન થયું છે. વીરજી ઠુમ્મરની અંતિમયાત્રા આજે સાંજે 5 વાગ્યે અમરેલી ખાતે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. અમરેલી સહિત સૌરાષ્ટ્રના દિગજ્જ નેતાઓ અંતિમ યાત્રામાં જોડાય શકે છે. વીરજી ઠુમ્મર છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને પોતાના ગામમાં જ રહી સારવાર લઈ રહ્યા હતા.
વીરજી ઠુમ્મરે રાજકીય ક્ષેત્ર ઉપરાંત વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ સેવા આપી હતી. કોંગ્રેસના સંગઠન અને સ્થાનિક રાજકારણમાં લાંબા સમયથી સક્રિય રહેલા વીરજી ઠુમ્મરની આક્રમક રાજકીય શૈલીને કારણે તેમની અલગ ઓળખ ઊભી થઈ હતી.
ત્રણ ટર્મ ધારાસભ્ય અને 1 ટર્મ સાંસદ
1990: બાબરા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય (જનતા દળ) બન્યા.
1995: બાબરા બેઠક પરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
2004: અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી સાંસદ બન્યા.
2017: લાઠી-બાબરા સીટ પરથી ધારાસભ્ય બન્યા.
અમરેલીના પ્રભાવશાળી કોંગ્રેસ નેતાની સફર
વીરજી ઠુમ્મરનો જન્મ 31 મે 1959 ના રોજ અમરેલી ખાતે થયો હતો અને તેમના પત્નીનું નામ નીલાબેન છે. તેઓ લાંબા સમયથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાઈને જનસેવા અને રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવતા આવ્યા હતા. જમીન સાથે જોડાયેલા નેતા તરીકે તેમની છબી હંમેશા લોકોની વચ્ચે રહી હતી.
સંસદથી લઈને વિધાનસભા સુધીનું પ્રતિનિધિત્વ
તેમની રાજકીય કારકિર્દી અત્યંત નોંધપાત્ર રહી છે. તેઓ 2004 થી 2009 દરમિયાન અમરેલી લોકસભા મતવિસ્તારમાંથી સંસદ સભ્ય (MP) તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને સંસદમાં લોકપ્રશ્નોને વાચા આપી હતી. આ ઉપરાંત, જનતાના વિશ્વાસ અને સમર્થનથી તેઓ 2017 થી 2022 દરમિયાન લાઠી-બાબરા વિધાનસભા બેઠક પરથી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય (MLA) તરીકે પણ ચૂંટાયા હતા.
ખેડૂતો અને જનહિતના પ્રશ્નો માટે હંમેશા રહ્યા અગ્રેસર
વીરજી ઠુમ્મર હંમેશા ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી અને સરકારની જનવિરોધી નીતિઓ વિરુદ્ધ યોજાતા વિરોધ પ્રદર્શનોમાં અગ્રેસર ભૂમિકા ભજવતા આવ્યા છે. સામાન્ય જનતા અને ખેડૂતોના હકો માટે લડવાની તેમની આક્રમક શૈલી જાણીતી હતી. જનતાના પ્રશ્નોને વાચા આપવાની તેમની રાજકીય સક્રિયતા હંમેશા રહી હતી.
રાજકીય ક્ષેત્રે શ્રદ્ધાંજલિનો પ્રવાહ
ટૂંકી બિમારી બાદ તેમના નિધનના સમાચાર ફેલાતા જ ગુજરાતભરના દિગ્ગજ રાજકીય નેતાઓ, પક્ષના કાર્યકર્તાઓ અને સમર્થકોએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શોકાતુર પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી સંવેદનાઓ પાઠવવામાં આવી રહી છે.