અમદાવાદ શહેરમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતા ઇ-મેઇલ મોકલાતા ભારે ખળભળાટ મચી ગયો હતો. આ વખતે શહેરની 10 જેટલી શાળાઓ, હાઈકોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તેમજ પ્રખ્યાત ગાયક દિલજીત દોસાંઝના આગામી કાર્યક્રમમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને તમામ સ્થળો પર જઈ ચેકિંગ કર્યું હતું.
ખાસ કરીને વેજલપુરની ઝાયડસ સ્કૂલ, સેટેલાઈટની બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, છારોડીની એસજીવીપી, સંત કબીર સ્કૂલ અને ડ્રાઈવ ઈન રોડ પર આવેલી એશિયા સ્કૂલ સહિત કુલ ૧૦ જેટલી શાળાઓને ધમકીભર્યા ઇ-મેઇલ્સ મળ્યા હતા. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને દિલજીત દોસાંઝના મ્યુઝિક કોન્સર્ટમાં પણ બોમ્બ વિસ્ફોટ કરવાનો ધમકીભર્યા ઇ-મેઇલમાં ઉલ્લેખ હતો. ધમકી મળતા જ ઝાયડસ સ્કૂલ સહિતની તમામ શાળાઓ દ્વારા ત્વરિત પગલાં રૂપે વાલીઓને જાણ કરીને બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલી આપવામાં આવ્યા હતા.
આ ઇ-મેઇલમાં ખાસ કરીને ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા મહત્ત્વના સ્થળોનો ઉલ્લેખ હતો. પહેલી નવેમ્બરે દિલ્હીના જે.એલ.એન. સ્ટેડિયમ અને ૨૧ નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. અમદાવાદ ડીઈઓ દ્વારા પણ તમામ શાળાઓને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અને શાળા પરિસરમાં કોઈપણ પ્રકારની પેનિક કે ગભરાટ ન ફેલાય તે રીતે વિદ્યાર્થીઓને સલામત રીતે રવાના કરવા સૂચના આપવામાં આવી હતી.
આ ધમકીભર્યો ઇ-મેઇલ 'ખાલિસ્તાન નેશનલ આર્મી - બબ્બર ખાલસા' ના નામે મોકલવામાં આવ્યો હતો. ઇ-મેઇલના અંતે તેના કેટલાક સભ્યોના નામ પણ દર્શાવવામાં આવ્યા છે, જેમાં એન્જિનિયર ગુરનખ સિંહ (રુકાન શાહવાલા), ડૉ. ગુરનિરવૈર સિંહ (ખાન રાજદા), પ્રોફેસર ગુરકાળ સિંહ (ખેમ કરણ) અને પ્રોફેસર ગુરંગાર સિંહ (જંડિયાલા ગુરુ) જેવા નામોનો સમાવેશ થાય છે. અગાઉ પણ અનેક શાળાઓ અને હાઈકોર્ટને આવી ધમકીઓ મળી ચૂકી છે, જેને પગલે પોલીસ અને સાયબર ક્રાઈમ ટીમ આ મામેલ સઘન તપાસ ચલાવી હતી.