BREAKING NEWS

વકીલોની હડતાલનો સુખદ અંત: જામનગર સહિત રાજ્યમાં કોર્ટ કાર્યવાહી રાબેતા મુજબ

  • October 07, 2026 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વકીલોની હડતાલનો સુખદ અંત: જામનગર સહિત રાજ્યમાં કોર્ટ કાર્યવાહી રાબેતા મુજબ

ગઇકાલે સાંજે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તેમજ બાર એસો.ના તમામ સભ્યોની સરકાર સાથે યોજાઇ બેઠક

ગુજરાત ભાડા વિધેયક, ૨૦૨૬ ના વિરોધમાં રાજ્યભરના ધારાશાસ્ત્રીઓ સાથે જામનગર બાર એસોસિએશન દ્વારા પણ છેલ્લા પાંચ દિવસથી અચોક્કસ મુદતની હડતાલ પાળવામાં આવી રહી હતી. આ આંદોલનના પગલે જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને તાલુકા અદાલતોમાં હજારો કેસોનું કામકાજ અટકી પડ્યું હતું અને પક્ષકારોને મુશ્કેલી વેઠવી પડી રહી હતી. દરમિયાન ગઈકાલે સરકાર સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સુખદ સમાધાન સધાતા વકીલોએ આ રાજ્યવ્યાપી હડતાલ મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત કરી છે, જેથી આજથી જામનગરની અદાલતોમાં ધારાશાસ્ત્રીઓ ફરીથી કાર્યવાહી શરૂ કરી હતી. 

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન પ્રવિણ ડી. પટેલે જણાવ્યા અનુસાર, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તમામ સભ્યો, અમદાવાદ બાર એસોસિએશન તથા અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખો અને હોદ્દેદારોની મહત્વપૂર્ણ બેઠક રાજ્ય સરકાર સાથે યોજાઈ હતી. જેમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી, એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી, મુખ્ય સરકારી વકીલ ગુરુચરણ શિર્કે, કાયદા સચિવ શ્રી યુ. એમ. ભટ્ટ તેમજ મહેસૂલ અને ગૃહ સચિવ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિધેયક સામે પાંચ દિવસથી ચાલતા વિરોધ અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

હડતાલનો મુખ્ય વિરોધ નવા ગુજરાત ભાડા વિધેયક, ૨૦૨૬ માં જ્યુડિશિયરી પાસેથી સત્તા આંચકીને એક્ઝિક્યુટિવને સોંપવાની જોગવાઈ સામે હતો. સરકારે આ અંગે ખાતરી આપી છે કે સત્તા કોર્ટ અને જ્યુડિશિયરી પાસે જ રહેશે તથા વિવાદાસ્પદ સુધારો રદ કરવાની દિશામાં યોગ્ય પગલાં લેવાશે. સરકારની સૂચના મુજબ બાર કાઉન્સિલ અને બાર એસોસિએશનના પ્રતિનિધિઓની એક સંયુક્ત કમિટી રચવામાં આવશે, જે કાયદા સચિવ સાથે વિમર્શ કરી વિધેયકમાં રહેલી અન્ય ક્ષતિઓ સુધારવાની ભલામણો કરશે.
​​​​​​​
આ ઉપરાંત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાયેલી આ બેઠકમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અને નોટરીઓને ટિકિટ આપવા બાબતના પ્રશ્નો પર પણ ચર્ચા થઈ હતી અને તેના હકારાત્મક નિરાકરણની ખાતરી મળતા હડતાલ સમેટી લેવાનો નિર્ણય લેવાયો છે. જામનગરના વકીલ મંડળે સરકારના આ સકારાત્મક વલણ અને બાર કાઉન્સિલના નિર્ણયને આવકારીને આજથી કોર્ટ કાર્યવાહીમાં સક્રિય કરી દીધી છે, જેનાથી સ્થાનિક પક્ષકારો અને અસીલોને મોટી રાહત મળી છે. જામનગર સહિત સમગ્ર રાજ્યભરમાં વકીલો દ્વારા કરાયેલ હડતાલનો સુખદ અંત આવ્યો છે અને તેના પરિણામે જામનગર સહિત રાજ્યભરના તમામ વકીલોએ કાર્ટની કાર્યવાહી શરૂ કરી દીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application