જામકંડોરણા ખાતે રાજકોટ જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા કૃષિ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. સાધારણ સભા દરમિયાન ગત વર્ષનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો અને સહકારી મંડળીઓને વિવિધ યોજનાઓનો લાભ આપવા અંગે ચર્ચા કરાઈ હતી.
રાજકોટ અને મોરબીમાં ડિસ્ટ્રિક્ટ બેંકની અલગ-અલગ શાખાઓ સફળતાપૂર્વક ચાલી રહી છે. ખેડૂતોએ કરોડો રૂપિયાની થાપણો આ બેંકમાં મૂકીને સહકારી ક્ષેત્ર પર પોતાનો ગાઢ ભરોસો બેસાડ્યો છે. મંત્રીએ જણાવ્યું હતું કે અનાજ બગડે નહીં તે માટે આધુનિક ગોડાઉનો બનાવવામાં ડિસ્ટ્રિક્ટ બેંક ખેડૂતો અને સંસ્થાઓને પૂરતી મદદ પૂરી પાડશે.
આ પ્રસંગે મહત્વની જાહેરાત કરતા કૃષિ મંત્રીએ ટેકાના ભાવે મગફળી સહિતની કૃષિ જણસીઓની ખરીદી માટે ચાલતા રજીસ્ટ્રેશનની સમયમર્યાદામાં ૧૫ દિવસનો વધારો કરવાની જાહેરાત કરી છે. અગાઉ રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ ૧૦ ઓક્ટોબર નક્કી કરાઈ હતી. જે હવે સમય મર્યાદા વધારીને 25 ઓક્ટોબર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતો માટે ટેકાનો ભાવ (MSP) લઈને આવ્યા છે અને રસ્તામાં ખેડૂતોના મગફળીના પાથરા જોઈને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પ્રસંગે વિઠ્ઠલભાઈ રાદડિયાના સહકારી ક્ષેત્ર માટેના યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા. દેશના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહ પણ અગાઉ આ સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં રાજકોટ જિલ્લાની સહકારી સંસ્થાઓમાં રાદડિયા પરિવારનો મજબૂત દબદબો જોવા મળી રહ્યો છે.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે સાત મહત્વપૂર્ણ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિ., રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ., રાજકોટ જિલ્લા સહકારી સંઘ, રાજકોટ જિલ્લા કો-ઓપ. કોટન માર્કેટિંગ યુનિયન લિ., રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલય લિ. તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંક લિ.ના કર્મચારીઓની ધિરાણ મંડળીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી જીતુ વાઘાણી તેમજ ધારાસભ્ય અને અગ્રણી સહકારી નેતા જયેશ રાદડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.