ક્રીકેટના કાશી ગણાતા જામનગરના ટેનીસ ક્રીકેટ ખેલાડીઓ સાથે મહાનગરપાલીકાએ મેદાનનો વધુ એક ખેલ પાડી ખેલાડીઓની લાગણી સાથે રમત રમતા આ મુદે ભારે રોષ અને વિવાદની શકયતા નકારી શકાતી નથી. કારણ કે, ખુદ મહાનગરપાલીકાના સતાધીશો અને અધિકારીઓએ વર્ષ ૨૦૨૪-૨૫ના ડ્રાફટ બજેટમાં હાપા વિસ્તારમાં પ્લોટ નં.૬૨ વાળી જગ્યામાં ક્રીકેટ મેદાનનું કામના આયોજનનું દીવાસ્વપ્ન બતાવી પાછલા બારણે રદ કરી નાખ્યાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. આટલું જ નહીં વર્ષ ૨૦૨-૨૭ના ડ્રાફટ બજેટમાં અને સ્ટેન્ડીંગ કમીટીમાં રજૂ થયેલા ફૂટબોલ ગ્રાઉન્ડના ટીપી સ્કીમ, ફાઇનલ પ્લોટ, ક્ષેત્રફળમાં જમીન-આસમાનના તફાવતથી અનેક શંકા અને સવાલો ઉભા થયા છે. ત્યારે બંને મેદાનમાં કોને-કોને કોના-કોના ઇશારે ખેલ પાડયો તે તપાસની સાથે ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
જામનગર મહાનગરપાલીકાની તા.૧૭-૦૨-૨૦૨૫ને મંગળવારે મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં શહેરમાં કોન્સ્ટ્રીબ્યુશન લેન્ડ, ભીમાવુડ સામે ક્રીકેટ ગ્રાઉન્ડ બનાવવા અને ટી.પી.સ્કીમ નં.૧ માં ફાઇનલ પ્લોટ નં.૧માં પોલીસ હેડ કર્વાટર્સ પાછળ ફુટબોલ ગ્રાઉન્ડ બનાવવા કમિશ્ર્નરની અરજન્ટ બીઝનેશની રજૂ થયેલી દરખાસ્તનો સૈઘ્ધાતીંક સ્વીકાર કરવામાં આવ્યો છે. પરંતુ શહેરના ખેલાડીઓ સાથે ક્રીકેટ અને ફૂટબોલ ગ્રાઉન્ડમાં મનપાએ પાછલા બારણે મસમોટો ખેલ પાડયાનો ઘટસ્ફોટ ખુદ મનપાએ બજેટમાં કરેલા આયોજન પરથી થયો છે.
કારણ કે, મહાનગરપાલીકાએ વર્ષ ૨૦૨૩-૨૪ના રીવાઇઝડ અને વર્ષ ૨૦૨૪-૨૫ના ડ્રાફટ અંદાજપત્રમાં વર્ષ ૨૦૨૪-૨૫ના કામના આયોજનમાં હાપા વિસ્તારમાં ફાઇનલ પ્લોટ નં.૬૨ વાળી જગ્યામાં ક્રીકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરવાનું કામ રૂ.૫ કરોડના ખર્ચે આયોજન હેઠળ છે. સદરહું આ કામ માટે ગ્રાન્ટ પ્રાપ્તિ માટે રાજય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. ગ્રાન્ટ મળ્યેથી કામ ચાલુ કરવામાં આવનાર છે તેમ દર્શાવ્યું છે. પરંતુ મનપાના ચાલુ વર્ષના એટલે કે ૨૦૨૬-૨૭ના ડ્રાફટ બજેટમાં સર્વે નં.૧૧૪૫માં ક્રીકેટ ગ્રાઉન્ડ બનાવવાનું કામ પ્રગતિ હેઠળ હોવાનું દર્શાવાયું છે. જયારે તા.૧૭-૦૨-૨૦૨૫ના એટલે કે ગઇકાલે મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં શહેરમાં ક્રીકેટ ગ્રાઉન્ડ ટીપી સ્કીમ નંબર-૧માં સર્વ નં.૧૪૪૫માં ૨૭૦૦૦ ચોરસ મીટરમાં કોન્સ્ટ્રીબ્યુશન લેન્ડ, ભીમાવુડ સામે બનાવવા સૈઘ્ધાતીંક સ્વીકાર કરાયો છે. એક બાજુ બજેટમાં ક્રીકેટ ગ્રાઉન્ડ પ્રગતિ હેઠળ અને સ્ટેન્ડીંગ કમીટીમાં સૈઘ્ધાતીંક સ્વીકાર કરાતા આ ગણીત કંઇ સમજાતું નથી.
નવાઇની વાત તો એ છે કે, વર્ષ ૨૦૨૩-૨૪ના રીવાઇઝડ અને ૨૦૨૪-૨૫ના ડ્રાફટ બજેટમાં વર્ષ ૨૦૨૪-૨૫ના આયોજનમાં હાપા વિસ્તારમાં ફાઇનલ પ્લોટ નં.૬૨ વાળી જગ્યામાં ક્રીકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરવાનું કામ જે દર્શાવાયું હતું તે પાછલા બારણેથી રદ કરી નાખવામાં આવ્યાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. તો મહાનગરપાલીકાના સતાધીશો અને અધિકારીઓએ જે તે સમયે બજેટમાં આ સ્થળે ક્રીકેટ ગ્રાઉન્ડ બનાવવાની જાહેરાત શું લીંબડ જશ ખાટવા અને વાહ વાહ મેળવવા કરી તે સળગતો સવાલ ઉઠ્યો છે. આટલું જ નહીં આ કામ કોના-કોના ઇશારે કોને-કોને રદ કરી શહેરના ટેનીસ ક્રીકેટ ખેલાડીઓની લાગણી સાથે રમત રમી તે ખરાઅર્થમાં ગંભીર તપાસનો વિષય બન્યો છે.
આટલું જ નહીં ટેનીસ ક્રીકેટ ખેલાડીઓની જેમ ફૂટબોલના ખેલાડીઓ સાથે મનપાએ ખેલ પાડયાનો ઘાટ સર્જાયો છે. કારણ કે, વર્ષ ૨૦૨૫-૨૬ના રીવાઇઝડ અને વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફટ બજેટમાં મનપાએ વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજ અનુસાર શરૂ કરેલી કામગીરીમાં શહેરમાં પ્લોટ નં.૮૩, જાડા ટીપી સ્કીમ નં.૩ ખાતે ૧૫૫૫૩ સ્કેવર મીટર જગ્યામાં ફુટબોલ ગ્રાઉન્ડ પ્રગતિ હેઠળ હોવાનું દર્શાવાયું છે. જયારે ગઇકાલે મળેલી મહાપાલીકાની સ્ટેન્ડીંગ કમીટીમાં શહેરમાં ફુટબોલ ગ્રાઉન્ડ ટીપી સ્કીમ નં.૧, ફાઇનલ પ્લોટ નં.૯૧, પોલીસ હેડકર્વાટર્સ પાછળ, ૧૨૦૪૩ સ્કેવર મીટર જગ્યામાં બનાવવાનો સૈઘ્ધાતીંક સ્વીકાર કરવામાં આવ્યો છે.
ત્યારે વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફટ બજેટ અને સ્ટેન્ડીંગ કમીટીમાં ફુટબોલ ગ્રાઉન્ડ બનાવવાની ટીપી સ્કીમ નંબર, ફાઇનલ પ્લોટ અને જમીનના ક્ષેત્રફળમાં જમીન-આસમાનનો તફાવત હોય અનેક શંકા સાથે સવાલો તથા તરેહ તરેહની ચર્ચા શરૂ થઇ છે. ત્યારે શું પ્રીન્ટીંગમાં શરતચૂક થઇ છે કે પાછલા બારણે સ્થળ ફેરફાર કરાયો છે તે ખરેખર ગંભીર તપાસનો વિષય બન્યો છે. આટલું જ નહીં બજેટમાં અને સ્ટેન્ડીંગ કમીટીમાં દર્શાવેલા ફુટબોલ ગ્રાઉન્ડના ક્ષેત્રફળમાં વધારાની બદલે ૩૫૧૦ ચોરસ મીટર જગ્યામાં ઘટાડો થયો છે. આમ, શહેરના ટેનીસ ક્રીકેટ અને ફુટબોના ખેલાડીઓ સાથે મેદાનના નામે વધુ એક ખેલ પડતા આ જાહેરાત પુન: લોલીપોપ પુરવાર નહીં થાય ને તે સળગતો સવાલ ઉઠયો છે.
આમાં કયાંથી રમે જામનગર..૪૫ વર્ષમાં જામ્યુકોએ શહેરના ટેનીસ ક્રીકેટ ખેલાડીઓ માટે એક ઢંગનું મેદાન ન બનાવ્યું
કેન્દ્ર અને રાજય સરકાર દ્રારા રમતગમતને પ્રોત્સાહન આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં કોમન વેલ્થ ગેમ્સનું ગુજરાતમાં આયોજન અને ભારતમાં ઓલ્મ્પીકના આયોજન માટે કેન્દ્ર સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે. બીજી બાજુ જામનગર મહાનગરપાલીકા કે જેની સ્થાપના વર્ષ ૧૯૮૧માં થઇ છે. ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે ૪૫ વર્ષમાં મનપા શહેરના ટેનીસ ક્રીકેટ ખેલાડીઓ માટે એક ઢંગનું મેદાન બનાવી શકી નથી, તો વિકાસ શું ખાખ કરશે તે સવાલ શહેરીજનો પૂછી રહ્યા છે.
જયુબેલી ગ્રાઉન્ડ હતું તેમાં સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવામાં આવ્યું. હાલમાં જે પ્રદર્શન ગ્રાઉન્ડ છે તે તો કલેકટર કચેરી હસ્તક આવે છે. આમ ૪૫ વર્ષના વ્હાણા વીતવા છતા ક્રીકેટના કાશી ગણાતા જામનગરમાં એક પણ ટેનીસ ક્રીકેટ ગ્રાઉન્ડ મનપા ન બનાવી શકતા આમાં કયાંથી રમે જામનગર તે સવાલની સાથે મનપાના સતાધીશો અને અધિકારીઓને ફકત સીમેન્ટ-ક્રોકીંટના જંગલો બનાવવામાં રસ છે તે વધુ એક વખત પુરવાર થયું છે.