BREAKING NEWS

મયુર ખોટા તોફાન કરી લોકોને હેરાન કરે છે...ફોન કરી બોલાવતા મયુરે મિત્રને છાતીમાં છરી ભોંકી દીધી, મોત થતા ભયભીત મિત્રોએ એક્સિડેન્ટની સ્ટોરી ઘડી

  • December 09, 2025 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્યમાં એકબાજુ ગુનેગારોને ભો ભીતર કરવાની વાતો જાહેર મંચ પરથી કરવામાં આવી રહી છે પરંતુ ગુનાખોરી ઓછી થવાનું નામ લેતું નથી. જેનું વરવું ઉદાહરણ રાજકોટમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા દોઢ મહિનામાં પાંચથી વધુ હત્યાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. તો શહેરમાં 24 કલાકમાં બીજી હત્યા થઇ છે. રાજકોટના ત્રિકોણબાગ પાસે રાત્રીના 18 વર્ષીય યુવકને સાથી મિત્રએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.


મિત્રએ છરી કાઢી છાતીના ભાગે મારી દેતા મોત 

ઘટનાના પગલે એ પોલીસ અધિકારીઓ અને એ-ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ભીલવાસ નજીક ઠક્કરબાપા નગરમાં રહેતો હતો અને રાત્રીના રસ્તા ઉપર સુતેલા ગરીબોને હેરાન કરતો હોવાથી મિત્ર સહિતના તેને આમ ન કરવા માટે સમજાવતા મામલો ગાળાગાળી સુધી પહોંચ્યો હતો અને ઉશ્કેરાટમાં આવી મિત્રએ છરી કાઢી છાતીના ભાગે મારી દેતા મોત નીપજ્યું હતું. હત્યા કરનાર શખ્સને પોલીસે સંકજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.​​​​​​​


 મયુર અહીં ખોટા તોફાન કરી લોકોને હેરાન કરે છે

હત્યાના બનાવની મળતી વિગત મુજબ ભીલવાસ ઠક્કરબાપા નગરમાં રહેતો ધાર્મિક પ્રકાશભાઈ મકવાણા (ઉં.વ.18)નો યુવક રાત્રીના ત્રીકોણ બાગ પાસે આવેલ મોમાઈ ટી-સ્ટોલ પાસે રાત્રીના દોઢેક વાગ્યે મિત્ર જયદીપ ભરતભાઇ શીંગાળા, યુગ દીપકભાઈ વાઘેલા સાથે હતો. ત્યારે ધાર્મિક રોડ ઉપર સુતેલા વ્યક્તિઓને હેરાન કરતો હોવાથી આ લોકોને હેરાન ન કરવા બાબતે તેને મિત્રો સમજાવતા હતા. પરંતુ માનતો ન હોવાથી જયદીપે મિત્ર અંકિત ઘાવરીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, મયુર અહીં ખોટા તોફાન કરી લોકોને હેરાન કરે છે. આથી અંકિત ઘાવરી, રાહુલ જગદીશભાઇ વાઘેલા અને મયુર કિશોરભાઇ લઢેર ત્રણેય મયુરની રીક્ષામાં ત્યાં આવ્યા હતા અને તેને સમજાવવા જતા ધાર્મિક મયુર સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. 


ધાર્મિકનું ઘંટેશ્વર પાસે બાઈક સ્લીપ થવાથી એક્સીડેન્ટ થયું છે 

બંને વચ્ચે ગાળાગાળી થતા મયુરે રીક્ષામાંથી છરી કાઢી ધાર્મિકને છાતીના ભાગે મારી દેતા ધાર્મિક ત્યાં જ ઢળી પડ્યો હતો. ધાર્મિકને છરીનો ઘા લાગી જતા મયુર ત્યાંથી રિક્ષા લઈને ભાગી ગયો હતો અને ધાર્મિકને ઈજાગ્રસ્ત હાલતમાં મિત્રો અન્ય રિક્ષામાં સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. ઘટનાને પગલે અંકિત ઘાવરીએ ધાર્મિકના પિતા પ્રકાશભાઈને ફોન કરી કહ્યું હતું કે, ધાર્મિકનું ઘંટેશ્વર પાસે બાઈક સ્લીપ થવાથી એક્સીડેન્ટ થયું છે અને અમે સિવિલ હોસ્પિટલે તેને લાવ્યા છીએ. બનાવની જાણ થતા જ મૃતકના પિતા પ્રકાશભાઈ સહિતના સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા જ્યાં નજર સામે જ સારવાર દરમિયાન પુત્રએ દમ તોડી દેતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો.


મયુર લઢેરને ગણતરીની કલાકોમાં ઝડપી લેવાયો

બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવિઝન પોલીસને કરતા પીઆઈ બી.વી. બોરીસાગર સહિતનો સ્ટાફ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી જઈ જરૂરી પંચરોજકામ કરી મૃતકના પિતા પ્રકાશભૌ સુરેશભાઈ મકવાણાની ફરિયાદ પરથી પેડક રોડ પર આવાસ ક્વાર્ટરમાં રહેતા મયુર કિશોરભાઈ લઢેર સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. મૃતક ધાર્મિક બેભાઈમાં મોટો હતો અને કપડાના શો રૂમમાં નોકરી કરતો હતો. તેના પિતા આરએમસીમાં ભૂગર્ભ ગટરની સફાઈનો કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે. પોલીસે હત્યારા મયુર લઢેરને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ કાયદેસરની ધરપકડની તજવીજ હાથ ધરી છે.


મૃતકના મિત્રો ભયભીત થઇ જતા એક્સીડેન્ટની સ્ટોરી ઘડી

મૃતકના પિતા પ્રકાશભાઈના જણાવ્યા મુજબ પુત્રના મિત્ર યુગે શરૂઆતમાં ધાર્મિકનું ઘંટેશ્વર પાસે બાઈક સ્લીપ થયું હોવાની વાત કરી હતી. સારવાર દરમિયાન પુત્રનું મોત થતા પોલીસ આવી જવાથી મિત્રોએ સાચી હકીકત જણાવી હતી. જો કે પોતે ડરી ગયા હોવાથી આ વાત કરી હોવાનું મિત્રોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application