BREAKING NEWS

અમદાવાદમાં અસામાજિક તત્વોએ દુકાનમાં ઘૂસી વેપારીને માર્યા, આખી બજારે સ્વૈચ્છિક બંધ પાળ્યો

  • September 25, 2026 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદના જાણીતા લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ઢાલગરવાડ કાપડ બજારમાં વાહન સાઇડમાં લેવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીની અદાવતમાં ૧૦થી વધુ શખ્સોના ટોળાએ એક વેપારીની દુકાનમાં ઘૂસીને તોડફોડ કરી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ ગંભીર ઘટનામાં કાકા-ભત્રીજા સહિત તેમને બચાવવા માટે આવેલા એક મિત્રને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તુરંત જ તમામને સારવાર અર્થે એસ.વી.પી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અસામાજિક તત્વોના બેફામ હુમલાના વિરોધમાં આજે અમદાવાદના સૌથી મોટા કાપડ બજાર ગણાતા ઢાલગરવાડમાં સંપૂર્ણપણે સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો હતો.

આ વિસ્તારની તમામ દુકાનો બંધ રાખીને વેપારીઓએ પોતાના હાથમાં બેનરો સાથે એકઠા થઈને આકરો વિરોધ નોંધાવ્યો હતો. અસામાજિક તત્વો સામે કડક અને આકરા પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ સાથે આજે સમગ્ર કાપડ બજાર બંધ રહ્યું છે.

દિવસના સમયે ભર બજારમાં બનેલી આ મારામારીની ઘટનાને લઈને સ્થાનિક કારંજ પોલીસ સ્ટેશનની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક વેપારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પટવા શેરીના કેટલાક અસામાજિક તત્વોએ વર્ષોથી આ સમગ્ર વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય જમાવી રાખ્યું છે અને અવારનવાર ભય તથા ડરનો માહોલ ઊભો કરતા હોય છે. વેપારીઓ દ્વારા આ પ્રકારની દાદાગીરી સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ઘટના અંગે ભોગ બનનાર અમાન અને તેના પરિવારે વિગતો આપતા જણાવ્યું કે ૨૪ સપ્ટેમ્બરના રોજ પાનકોર નાકા પાસે ટ્રાફિક દરમિયાન વાહન સાઇડમાં લેવા બાબતે એક ટૂ-વ્હીલર ચાલક સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને સાંજના સાતેક વાગ્યે અમાન અને તેના કાકા મહંમદ અમીન મન્સૂરી પોતાની 'આલિયા ફેશન' નામની દુકાને હાજર હતા ત્યારે અસામાજિક તત્વોના ટોળાએ હથિયારો સાથે દુકાન પર હુમલો કર્યો હતો. આરોપીઓએ દુકાનમાં ઘૂસીને ભારે તોડફોડ મચાવી હતી અને કાકા-ભત્રીજાને રસ્તા પર ખેંચીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ટોળું દુકાનમાં ઘૂસીને હુમલો કરતું સ્પષ્ટ નજરે પડે છે.

આ મામલે મહંમદ અમીન મન્સૂરીએ ઇરફાન વલીભાઇ ઘાંચી, રીયાજ વારીશ શેખ, નુર મોહમદ શેખ, ઇરફાન યાસીનભાઇ શેખ, ઇકબાલ યાસીનભાઇ શેખ અને અન્ય સાત અજાણ્યા શખ્સો વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. વેપારીઓ પર થયેલા આ ઘાતકી હુમલાના વિરોધમાં મોડીરાત્રે જ વેપારીઓ એકત્રિત થઈ ગયા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેના પગલે પોલીસે ગુનો નોંધીને વધુ કાનૂની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News