BREAKING NEWS

રાજકોટમાં પોલીસ જ અસલામત: પોલીસ સ્ટેશન પર સોડા-બોટલના ઘા કરી લુખ્ખાઓએ પડકાર ફેંક્યો

  • January 17, 2026 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ખડા કરતી ઘટના બની છે. લુખ્ખા અને માથાભારે તત્વોની રંજાડનો શહરીજનો તો છાશવારે અનુભવ કરતા રહે છે પરંતુ ખુદ પોલીસને પણ હવે લુખ્ખા તત્વોની હેરાનગતીનો કડવો અનુભવ થઇ રહ્યો છે. શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર રાત્રીના બાઇક પર આવેલા ચાર બુકાનીધારી શખસોએ સોડા- બોટલના ઘા કરી રીતસર પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો છે. શહેરમાં સામાન્ય નાગરિક તો ઠીક પણ હવે પોલીસ જ ખુલ અસલામત હોય તેવી સ્થિતિ જણાઇ રહી છે.


આ ગંભીર ઘટના સામે આવતા જ ગાંધીગ્રામ પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાંચ એલીસીબી સહિતની ટીમો ગાંધીગ્રામ પોલીસ મથકે દોડી આવી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ સ્ટેશન પર સોડા-બોટલના ઘા કરનાર આ ટોળકીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે આરોપીને ઝડપી લેવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. દરમિયાન ડીસીબીએ કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના પુત્ર રનિસ મહાજન સહિત બેને ઉઠાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે.


જાણવા મળતી વિગતો મુજબ, ગઇકાલે રાત્રીના શહેરના દોઢસો ફૂટ રીંગરોડ પર મોદી સ્કુલ પાસે આવેલા ગાંધીગ્રામ પોલીસ મથક પર કેટલાક શખસોએ સોડા-બોટલાના ઘા કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો હતો. સવારે જયારે આ ઘટના અંગેની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એચ.એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ વી.ડી.રાવલીયા તથા ટીમે તપાસ શરૂ કરી હતી.


પોલીસ સ્ટેશન પર સોડા- બોટલના ઘા કરવાની ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશના પગલે ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.એલ.ડામોર, પીએસઆઇ એ.એન.પરમાર, એલસીબી ઝોન-૨ ના પીએસઆઇ આર.એચ.ઝાલા સહિતનો સ્ટાફ ગાંધીગ્રામ પોલીસ મથકે દોડી જઇ તપાસનો ધમધામટ શરૂ કર્યો હતો.


પોલીસે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને બાજુમાં આવેલી મોદી સ્કૂલના સીસીટીવી ફૂટેજ જોતા રાત્રીના બાઇક પર ચાર બુકાનીધારી શખસો અહીં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતી વેળાએ સોડા- બોટલના ઘા કરતા નજરે પડયા હતાં.પોલીસે સઘન તપાસ કરતા બાઇક પર આવેલા શખસો રૈયાચોકડી તરફથી આવ્યા હોવાનું અને ઇન્દિરા સર્કલ તરફ જતા હોવાનું નજરે પડયું હતું. પોલીસે આ ફૂટેજના આધારે આ ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


પોલીસ સ્ટેશન પર સોડા-બોટલના ઘા કરી રીતસર પડકાર ફેંકનાર આ ટોળકીના આ કૃત્યથી પોલીસના અસ્તિત્વ સામે સવાલો ખડા થયા છે. ત્યારે પોલીસ દ્વારા આ ટોળકીને તાકીદે ઝડપી લેવા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. દરમિયાન ડીસીબીએ કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના પુત્ર રનિસ મહાજન સહિત બેને ઉઠાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે.


પોલીસ સ્ટેશન પર સોડા-બોટલના ઘા કરવા પાછળનો ઇરાદો શું?

શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર બાઇક પર આવેલા બુકાનીધારી શખસોએ સોડા- બોટલના ઘા કરતા ચકચાર મચી જવા પામી છે. આ રીતે પોલીસ સ્ટેશન પર સોડા-બોટલના ઘા કરી આ શખસો શું સાબિત કરવા માંગે છે તેઓ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે કે? પછી ટીખળ માટે આ કૃત્ય કર્યું તે અંગે પણ તપાસ થઇ રહી છે.


બુકાનીધારી રૈયાચોકડી તરફ આવ્યા, ઇન્દિરા સર્કલ તરફ ગયા

પોલીસ સ્ટેશન પર સોડા- બોટલના ઘા કર્યાની ઘટના સામે આવ્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના અધારે તપાસ કરતા બાઇક પર આવેલા શખસો રૈયાચોકડી તરફથી આવ્યા હોવાનું અને ઇન્દિરા સર્કલ તરફ જતા હોવાનું નજરે પડયું હતું. પોલીસે આ ફૂટેજના આધારે આ ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News