ગુજરાત ભાજપના સંગઠનાત્મક માળખામાં મહત્વપૂર્ણ નિયુક્તિ કરવામાં આવી છે. રાષ્ટ્રીય ભાજપ દ્વારા અરુણ બીનાડીને ગુજરાત ભાજપના સહ સંગઠન મહામંત્રી તરીકે સત્તાવાર જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની સાથે હવે અરુણ બીનાડી સંગઠનની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવશે.
ભાજપના સંગઠનમાં પ્રદેશ સંગઠન મહામંત્રીનું પદ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સંગઠનના વિવિધ સ્તરે સંકલન, કાર્યકર્તાઓ સાથે સંપર્ક, સંગઠનાત્મક કાર્યક્રમોના અમલીકરણ તેમજ પક્ષની કામગીરીને વેગ આપવાની જવાબદારીમાં સંગઠન મહામંત્રી અને સહ સંગઠન મહામંત્રીની ભૂમિકા રહે છે.
અરુણ બીનાડીને ગુજરાતની જવાબદારી સોંપાતા આગામી સમયમાં સંગઠનના વિસ્તરણ અને આંતરિક સંકલનમાં તેમની મહત્વની ભૂમિકા રહેશે. ખાસ કરીને આગામી સમયમાં યોજાનારી વિવિધ ચૂંટણીઓ અને પક્ષના સંગઠનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને આ નિયુક્તિને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય ભાજપના આ નિર્ણયથી ગુજરાતમાં પક્ષની સંગઠનાત્મક કામગીરીને વધુ સુવ્યવસ્થિત અને મજબૂત બનાવવાનો પ્રયાસ સ્પષ્ટ થાય છે. અગાઉ ગુજરાતમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂકેલા ભીખુભાઈ દલસાણીયાને બિહાર રાજ્યના સંગઠન મહામંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે લેવાયેલા આ નિર્ણયોથી આગામી સમયમાં સંગઠનની કામગીરી વધુ વેગવંતી બનશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.