ચાલુ વર્ષે મગફળીનું વિપુલ ઉત્પાદન થયું હોવા છતાં તેલના ભાવ છેલ્લા ત્રણ વર્ષની ઊંચી સપાટી લગોલગ પહોંચી જતા સરકાર જાગી છે. થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારની એજન્સી એનસીસીએફ દ્વારા મગફળીનું વેચાણ શરૂ કરાયા પછી હવે આગામી તારીખ 4 માર્ચ ને ધુળેટીથી નાફેડ પણ ટેકાના ભાવે ખરીદેલી મગફળી વેચવા માટે બજારમાં આવશે તેવી જાહેરાત થતા જ સીંગતેલના ભાવમાં એક દિવસમાં રૂપિયા 50 નો ભડાકો બોલી ગયો છે. માર્કેટયાર્ડ અને ખુલ્લા બજારમાં મગફળીની આવક ઘટીને સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર 16 થી 17,000 ગુણીની થઈ ગઈ છે. સિંગતેલ અને સિંગદાણાની લેવાલીમાં નરમાઈ જોવા મળી રહી છે.
ચાલુ વર્ષે વિક્રમસર્જક વધુ મગફળીનો પાક ઉત્પાદિત થયા પછી સરકારી એજન્સી નાફેડ અને એનસીસીએફ દ્વારા ટેકાના ભાવે ખરીદી પણ વિક્રમજનક કરવામાં આવી છે. અગાઉના વર્ષે માત્ર 12 લાખ ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી તે સામે આ વખતે 18 લાખ ટન મગફળી ખરીદવામાં આવી છે. આ ઉપરાંત ચાર લાખ ટન મગફળી રાજસ્થાનમાં ખરીદવામાં આવી હતી તે પણ ગુજરાતના ગોડાઉનમાં પડી છે. આમ 22 લાખ ટન મગફળી સરકારના કબજામાં હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં માલ ખેંચ અનુભવાતી હતી અને તેનો ગેરલાભ લઈને સિંગતેલના સટોડીયાઓ સતત ભાવ વધારી રહ્યા હતા.
નાફેડે તારીખ ચારથી જ મગફળી ઉપરાંત સોયાબીન અડદ અને મગની ટેકાના ભાવે જે ખરીદી કરી હતી તેનું બજારમાં વેચાણ માટેની જાહેરાત કરી છે.જો કે સૌથી વધુ નોંધપાત્ર બાબત મગફળીના વેચાણને લગતી છે. એનસીસીએફને રૂપિયા 8,057 સુધીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ દીઠ મળ્યા પછી હવે નાફેડ ને કેટલો ભાવ મળે છે તે જોવાનું રહેશે.
નાફેડની જાહેરાત પછી મગફળીની આવક સૌરાષ્ટ્રમાં ઘટી ગઈ છે 16 થી 17,000 ગુણી મગફળીની આવક થઈ છે. સિંગતેલમાં પણ માત્ર ચારથી પાંચ ટેન્કરના કામ થયા છે અને સિંગતેલના ભાવમાં પણ રૂપિયા 50 સુધીનો કડાકો બોલી ગયો છે.