BREAKING NEWS

ચોમાસાની વિદાય વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જોર વધશે, ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા

  • September 23, 2026 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોમાસાની વિદાયની પ્રક્રિયા દેશના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં આગળ વધી રહી હોવા છતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસાદી માહોલ યથાવત્ છે. હવામાન વિભાગે ગઈકાલે બપોરે જાહેર કરેલા બુલેટિન મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા હવે રાજસ્થાનના કેટલાક ભાગો સુધી પહોંચી છે, પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ફરી હાજરી પુરાવી હતી. સવારે ૬ વાગ્યે પૂર્ણ થયેલા વરસાદના આંકડા મુજબ ઉનામાં ૬૯ મિમી, રાજુલામાં ૬૬ મિમી અને રાણાવાવમાં ૬૦ મિમી વરસાદ નોંધાયો હતો. ગારિયાધારમાં ૩૦, જામજોધપુરમાં ૨૬, કેશોદમાં ૨૪, મહુવામાં ૨૧, ગોંડલમાં ૨૧ અને તાલાલામાં ૧૯ મિમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત બોટાદ, માળિયા હાટીના, જામકંડોરણા, કોટડા સાંગાણી, ગીર ગઢડા, બરવાળા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના સિનોપ્ટિક વિશ્લેષણ મુજબ આગામી બે-ત્રણ દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા-ચંડીગઢ-દિલ્હીના બાકીના ભાગો ઉપરાંત દેશના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે.

બીજી તરફ પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં હવામાન પ્રણાલીની અસરથી પશ્ચિમ-વાયવ્ય દિશામાં પવનો વધવાની તથા આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતા છે. તેથી સૌરાષ્ટ્ર માટે હજુ ચોમાસાની સંપૂર્ણ વિદાયનો તબક્કો આવ્યો હોવાનું કહી શકાય તેમ નથી.

૨૩થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ૨૪થી ૨૫ સપ્ટેમ્બરે રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની સંભાવના રહેશે. ત્યારબાદ વરસાદનો વિસ્તાર મુખ્યત્વે ઉત્તર અને દક્ષિણ ગુજરાત તરફ સીમિત થતો જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application