પત્નીએ અન્ય યુવાન સાથે લગ્ન કરી લેતા ઉશ્કેરાયેલા દુષ્કર્મના આરોપીએ બે યુવાનો પર જીવલેણ હુમલો કર્યો

  • April 20, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હુમલા બાદ આપઘાત કરી લેવા પોતાના પેટમાં પણ છરી હુલાવી: ત્રણેય ગંભીર રીતે ઇજાગ્રસ્ત: ખીરસરા ગામનો બનાવ



કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે ગુરુવારે રાત્રે દુષ્કર્મના એક આરોપી દ્વારા પેરોલ પર છૂટ્યા બાદ પોતાની છૂટાછેડા લીધેલી પત્નીના પતિ સહિત બે વ્યક્તિઓ પર જાનથી મારી નાખવાના ઇરાદે છરી વડે હુમલો કરીને ત્યાર બાદ પોતાના પેટમાં છરી ઝીંકી દેતા ભારે દોડધામ મચી જવા પામી છે. આ પ્રકરણમાં આરોપી સહિત ત્રણેયને ગંભીર હાલતમાં જામનગર તથા રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ધરમપુર વિસ્તારમાં રહેતા દિનેશ હરીશભાઈ મારુ નામના યુવાનના લગ્ન થોડા સમય પૂર્વે પોરબંદર ખાતે રહેતી કિંજલ નામની યુવતી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને એન્જલ નામની પુત્રીનો જન્મ થયો હતો. તેની ઉંમર હાલ ચાર વર્ષની છે.


લગ્ન બાદ દિનેશ મારુ દ્વારા પોરબંદરના ઉદ્યોગનગર ખાતે એક યુવતી પણ દુષ્કર્મ ગુજારવામાં આવતા દિનેશ સાથે તેના પત્ની કિંજલએ છૂટાછેડા લઈ લીધા હતા. બાદમાં નામદાર અદાલત દ્વારા દિનેશને વીસ વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.


આજથી આશરે અઢી વર્ષ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા કિશન ભીખાભાઈ વાઘએ તેણીની ફઈની દીકરી અને ઉપરોક્ત આરોપી દિનેશ મારુની છૂટાછેડા લીધેલી પત્ની કિંજલ સાથે લગ્ન કરી લીધા હતા. આ દરમિયાન તાજેતરમાં પેરોલ રજા પર છૂટીને આવેલા આરોપી દિનેશ હરીશ મારુએ ગુરુવારે રાત્રિના આઠેક વાગ્યાના સમયે ફરિયાદી કિશનભાઈ વાઘના ઘરે આવતા રસોઈ બનાવી રહેલી કિંજલએ દરવાજો બંધ કરી દીધો હતો.


અહીં આવેલા આરોપી દિનેશે કહેલ કે તું કહેતો હોય તો હું તારી છોકરી એન્જલને રાખી લઉં. પરંતુ હું મારા કુટુંબીને તથા ગામના સરપંચને બોલાવી લઉં. તેમ કહ્યા બાદ ગામના સરપંચના પતિ પરબતભાઈ કદાવલાને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા. તેમની સાથે અન્ય પરિવારજનોએ પણ આવીને દિનેશ સાથે વાતચીત કરી હતી.


વાતચીત દરમિયાન ઉશ્કેરાયેલા દિનેશે કિશનને પહેલ કે "આજે તો તને જાનથી મારી નાખવો છે"- તેમ કહી તેણે નેફામાં રહેલી છરી કાઢી અને તેને મારવા દોડતા બાજુમાં બેઠેલા દુદાભાઈ કદાવલાએ આડો હાથ નાખ્યો હતો. જેથી છરીનો ઘા તેમને લાગી ગયો હતો. દિનેશે છરીનો બીજો ઘા ફરિયાદી કિશનના માથામાં ઝીંકી દેતા તે લોહી-લુહાણ હાલતમાં ચક્કર ખાઈને નીચે પટકાઈ ગયો હતો.


અન્ય લોકોએ આ બંનેને વધુ માર ખાતા બચાવી લીધા હતા. દુદાભાઈ તથા કિશન વાઘને લોહી લોહાણ હાલતમાં 108 મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી કિશનને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં તથા દુદાભાઈ કદાવલાને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ બાદ આરોપી દિનેશ મારુએ પણ પોતે આપઘાત કરી લેવા માટે પોતાના પેટમાં છરી ઝીંકી દીધી હતી. તેથી તે પણ લોહી લોહાણ હાલતમાં અહીં ફસાઈ પડ્યો હતો. ત્યારબાદ તેને સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


આ સમગ્ર પ્રકરણ અંગે કિશનભાઈ ભીખાભાઈ વાઘ (ઉ.વ. 30)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે દિનેશ હરીશભાઈ મારુ (રહે. ધરમપુર, તા. રાણાવાવ) સામે આઈ.પી.સી. કલમ 307, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવ બનતા કલ્યાણપુરના પી.એસ.આઈ. યુબી. અખેડ તથા સ્ટાફ તાકીદે ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા. આ પ્રકરણમાં વધુ તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ ચલાવી રહ્યા છે. આ બનાવે નાના એવા ખીરસરા ગામમાં ભારે ચકચાર પ્રસરાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application