ગોંડલ શહેરના ઘોઘાવદર રોડ પર આવેલી સરગમ પાર્ક સોસાયટીમાં લોકપ્રશ્નોની રજૂઆત સાંભળવા ગયેલા આમ આદમી પાર્ટીના (AAP) મહિલા નેતા જીગીષાબેન પટેલ પર અજાણી મહિલાઓના ટોળાએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં જીગીષાબેન ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની વિગત
મળતી માહિતી મુજબ, સરગમ પાર્ક સોસાયટીની સ્થાનિક મહિલાઓએ પાણી, ખરાબ રોડ-રસ્તા અને કચરાના નિકાલ જેવી પાયાની સુવિધાઓના અભાવે જીગીષાબેન પટેલને ફોન કરીને રજૂઆત કરવા બોલાવ્યા હતા. લોકસેવાના ભાવે જીગીષાબેન જ્યારે સોસાયટીના રહીશોની મુશ્કેલીઓ સાંભળી રહ્યા હતા, ત્યારે અચાનક અન્ય વિસ્તારની કેટલીક મહિલાઓ ત્યાં ધસી આવી હતી.
પથ્થરમારો અને તોડફોડ
રજૂઆત સાંભળતી વેળાએ આવેલી આ મહિલાઓએ ઉગ્ર બોલાચાલી કરી જીગીષાબેન પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, ઉશ્કેરાયેલી મહિલાઓએ જીગીષાબેનની ગાડી પર જોરદાર પથ્થરમારો કરી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. આ હુમલામાં જીગીષાબેનને ઈજાઓ પહોંચતા તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
હોસ્પિટલ ખાતે લોકટોળા ઉમટ્યા
આ હિંસક ઘટનાની જાણ વાયુવેગે ગોંડલમાં ફેલાતા મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક લોકો સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. લોકોમાં આ પ્રકારના હુમલાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસ કાર્યવાહી
બનાવની જાણ થતા જ ગોંડલ પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત જીગીષાબેનનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. આ હુમલો રાજકીય અદાવતમાં કરવામાં આવ્યો છે કે અન્ય કોઈ કારણસર, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ધોળા દિવસે મહિલા નેતા પર થયેલા આ હુમલાથી ગોંડલના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.