BREAKING NEWS

વેચાણ કરારમાં વર્ષમાં ફેરફાર કરી જાળિયા ગામની કિંમતી જમીન પચાવવાનો પ્રયાસ

  • August 11, 2026 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ભાગોળે આવેલા જાળિયા ગામની 3 હેક્ટરથી વધુની વારસાઈ ખેતીની જમીન પચાવવા માટે વેચાણ કરારના દસ્તાવેજમાં એક વર્ષ ફેરવી નાખ્યું હતું. જે કારસ્તાનનો પર્દાફાશ થયા બાદ આ અંગે સાધુ વાસવાણી રોડ પર રહેતા શખસ સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ જુના મોરબી રોડ પર સત્યમ પાર્કની બાજુમાં રહેતાં ચાર્મીબેન શૈલેષભાઈ પીપળિયા (ઉ.વ.૩૬) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે યોગેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (રહે. સાધુ વાસવાણી રોડ, ટોપ લેન્ડ સોસાયટી શેરી નં.૨) નું નામ આપ્યું છે. ફરીયાદીનાં જણાવ્યા મુજબ, જાળિયા ગામના રે.સ.નં.358માં હે.આરે.ચો.મી. 3-04-54 જમીન આવેલી છે. વર્ષ 2010 માં ફરિયાદી ચાર્મીબેનના પતિ શૈલેષભાઈ અને સાસુ લાભુબેને દિવ્યેશ ધનવંતરાય ગાંધી પાસેથી રૂ. 12 લાખ લીધા હતા. રકમની સેફ્ટી પેટે જમીનનું કુલમુખત્યારનામું કરી આપ્યું હતું. ત્યારબાદ દિવ્યેશ ગાંધીએ કુલમુખત્યારના આધારે તા.31 ડિસેમ્બર 2010ના રોજ જમીનનો વેચાણ દસ્તાવેજ નિર્મળાબેન કાંતિલાલ સેજપાલના નામે કરી આપ્યો હતો. બાદમાં રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરાવવા કાચી નોંધ પાડી હતી. પણ ચાર્મીબેના પતિ અને સાસુએ વાંધો લેતાં નોંધ રદ થઈ હતી. ત્યારબાદ નિર્મળાબેન દ્વારા યોગેન્દ્રસિંહ જાડેજાના નામે તા.2 જુલાઈ 2011 નો નોટરાઈઝ્ડ વેચાણ કરાર કરાયો હોવાનો દસ્તાવેજ કોર્ટમાં રજૂ કર્યો હતો. જો કે, તા.2 જુલાઈ 2010 ના દસ્તાવેજમાં ચેડા કરી વર્ષ 2010 ને બદલે 2011 કરવામાં આવ્યું હતું અને આ દસ્તાવેજને સાચો હોવાનું દર્શાવી રાજકોટની કોર્ટમાં સ્પે. દાવો રજૂ કરાયો હતો. જો કે, સ્ટેમ્પ વેન્ડરના રજિસ્ટરમાં બંને સ્ટેમ્પ પેપર તા.30 જૂન 2010ના રોજ અન્ય વ્યક્તિના નામે ખરીદાયેલા હોવાનું તથા 2011માં આ જ નંબરના સ્ટેમ્પ પેપરનું વેચાણ ન થયું ખુલ્યું હતું. જે અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application