શાપરના બુદ્ધનગર વિસ્તારમાં બાઇક જોઇને ચલાવવાનું કહેતા આ વિસ્તારમાં રહેવું હોય તો મારી સામે કાંઇ નહીં બોલવાનું કહી બિહારી યુવાનને છરીના ઘા ઝીંકી દઇ ખૂની હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી શાપર પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શાપરમાં આવેલા બુદ્ધનગર મફતીયાપરામાં રહેતાં કુમોદકુમાર ભુદેવ મંડલ (ઉ.વ.૨૮) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મુકેશ વાલજી રાવલીયાનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે એકલો રહે છે અને શાપર કેપ્ટન ગેઇટની અંદર આવેલ એમેઝોન કાસ્ટીંગ નામના કારખાનામાં છેલ્લા સાત વર્ષથી કાસ્ટીંગને લગતુ કામ કરે છે. તેના માતા પિતા બિહાર રહે છે.
ગઇ તા.૧૮ ના સવારના તે કારખાને કામે ગયો હતો અને બપોરના રૂમ પર આવી બાદમાં સાંજના સમયે ઓરડીએથી વેરાવળ બુદ્ધનગર તરફ પાણીપુરી ખાવા માટે નીકળ્યો હતો. ઓરડીથી થોડે આગળ પગપાળા ચાલીને જતો હતો તે દરમિયાન તેના રૂમની સામે રહેતો મુકેશ રાવલીયા તેનુ બાઈક લઈને આવતો હોય અને તેણે સીધુ જ બાઈક પગમાં ભટકાડેલ અને ઉભું રાખેલ જેથી તેને કહેલ કે, બાઈક જોઇને ચલાવો હમણા મને વાગી જાત તેમ કહેતા તે બાઈકમાંથી નીચે ઉતરેલ ગાળો આપી કહેલ કે, તુ કોણ મને કહેવાવાળો તેમ કહી ફડાકા મારી દિધેલ અને તેના બાઈક ઉપર બેસી ગયેલ હતો.
જેથી યુવાને તેની માફી માંગતા મુકેશ તેનુ બાઈક લઈને આગળ રસ્તે જતો ૨હેલ અને તે પગપાળા ચાલીને બુધ્ધનગર તરફ જતો હતો તે દરમિયાન ફરીથી આરોપી બાઈક લઈને આવેલ અને ગાળો આપી બાઈકમાંથી નીચે ઉતરી ફડાકા મારી ઉશ્કેરાઇ ગયેલ અને નેફામાંથી છરી કાઢી એક ઘા પેટના વચ્ચેના ભાગે મારી દીધેલ હતો. યુવાનને લોહી નીકળતા તે ત્યાં પડી ગયેલ અને આરોપીએ કહેલ કે, આ વિસ્તારમાં રહેવુ હોય તો મારી સામે કાંઇ નહીં બોલવાનુ, જો મારી સામે હવે કયારેય બોલીશ તો તને પતાવી દઇશ અને મારી નાખીશ તેમ ધમકી આપી બાઈક લઈ નાશી છૂટ્યો હતો. જે બાદ યુવાન લોહીલુહાણ હાલતમાં ત્યાં જ પડી ગયેલા હતો. જે બાદ યુવાનને ૧૦૮ મારફત સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી શાપર પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.