દેશ અને વિદેશમાં પોતાના સૂરીલા અવાજથી લાખો લોકોના દિલ જીતનારા પ્રખ્યાત સીંગર બી પ્રાક ત્રીજા નોરતે પહેલીવાર રંગીલા રાજકોટના મહેમાન બન્યા હતા. એમજીએમ કલ્ચરલ નવરાત્રીના ભવ્ય આયોજનમાં તેમનું ધમાકેદાર પરફોર્મન્સ જોવા મળ્યું હતું, જેણે રાજકોટવાસીઓને અદભુત ઉત્સાહથી ઘેલું લગાવી દીધું હતું. સ્ટેજ પર આવતાની સાથે જ ગુજરાતી ગરબા ગાવાની શરૂઆત કરી હતી, જેના તાલ અને લય પર ખેલૈયાઓએ મન મૂકીને રાસની જમાવટ બોલાવી હતી.

ઝાકમઝોળ અને આકર્ષક રંગબેરંગી રોશનીથી ઝળહળતા ભવ્ય સ્ટેજ પરથી જ્યારે બી પ્રાકે પોતાના અનોખા અંદાજમાં ગીતોની સૂરીલી વણઝાર સર્જી, ત્યારે સમગ્ર ગ્રાઉન્ડ સંગીતના રંગમાં રંગાઈ ગયું હતું. મેદાનમાં હાજર તમામ ખેલૈયાઓ અને દર્શકો તેમના સૂર સાથે સૂર મિલાવીને ઝૂમી ઉઠ્યા હતા. આ ભવ્ય અને રોમાંચક સંગીતમય માહોલમાં આ લોકપ્રિય ગાયકની એક ઝલક જોવા માટે એમજીએમ કલ્ચરલ નવરાત્રીના ત્રીજા નોરતે અંદાજે 15 હજાર જેટલા રાજકોટીયન્સો ઉમટી પડ્યા હતા, જેના કારણે નવરાત્રીના આ મહાપર્વના ઉત્સાહમાં ચાર ચાંદ લાગી ગયા હતા.

આ ભવ્ય અને યાદગાર રાતના અવસરે અનેક દિગ્ગજ મહાનુભાવો અને અતિથિ વિશેષોએ વિશેષ ઉપસ્થિતિ આપીને કાર્યક્રમની શોભા વધારી હતી. જેમાં રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, આઈજી નિર્લિપ્ત રાય, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને વરિષ્ઠ આગેવાન વજુભાઈ વાળા તથા ધારાસભ્ય ઉદય કાનગડે ખાસ હાજરી આપી હતી. આ મહાનુભાવોની ઉપસ્થિતિએ આયોજનને વધુ ભવ્ય બનાવ્યું હતું.

નવરાત્રીના ત્રીજા નોરતાની આ સાંજે સંગીત અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. બી પ્રાકના આગમનથી રાજકોટના ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોડે સુધી ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ જામી રહી હતી. આ ભવ્ય આયોજન રાજકોટના નવરાત્રી ઇતિહાસમાં એક યાદગાર સંભારણું બની ગયું છે, જેની ચર્ચા લાંબા સમય સુધી શહેરમાં થતી રહેશે.
