BREAKING NEWS

BAPSનો 'પ્રમુખ વરણી મહોત્સવ', અમદાવાદનો રિવરફ્રન્ટ હરિભક્તોથી ઉભરાશે, ફ્લોટ્સે આકર્ષણ જમાવ્યું

  • December 07, 2025 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

BAPS સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકેની પદવી મળ્યાનાં 75 વર્ષ પૂર્ણ થતાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખ વરણી અમૃત મહોત્સવ કાર્યક્રમ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજવામાં આવી રહ્યો છે. આજે સાંજે રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ભવ્ય સમારોહમાં પ્રમુખ સ્વામી મહારાજનાં માનવસેવામાં સમર્પિત અસંખ્ય કલ્યાણકારી યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમના જન્મદિને ભાવાંજલિ આપવામાં આવશે. સાબરમતી નદીમાં 75 જેટલી ડેકોરેટિવ ગ્લો લાઈટિંગ સાથેની રાખવામાં આવેલી ફ્લોટિંગ હોડી આકર્ષણનું કેન્દ્ર બની છે. આજે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ 8 અને 9 ડિસેમ્બરે પણ આ ડેકોરેટિવ હોડીઓ રાખવામાં આવશે.


અમદાવાદના આંગણે યોજાઈ રહેલા આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મોટી સંખ્યામાં હરિભક્તો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો હાજરી આપશે.


BAPS સંસ્થાના અક્ષરવત્સલ સ્વામીએ કાર્યક્રમ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજને BAPS સંસ્થાના પ્રમુખ તરીકે 75 વર્ષ પૂર્ણ થયાં છે. સંતોના વારસાને જાળવી રાખવા માટે અને નવી પેઢી સુધી પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય જીવન અંગેની ઝાંખી દર્શાવવામાં આવશે. પ્રમુખ સ્વામી મહારાજને અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી આંબલીવાળી પોળમાં BAPS સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ દ્વારા સૌપ્રથમ સંસ્થાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે 75 વર્ષ પૂર્ણ થતાં પ્રમુખ વરણી મહોત્સવ આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ તરીકેની વરણીનાં 2025માં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર વર્ષ દરમિયાન હજારો ભક્તોએ આંબલીવાળી પોળ સુધી પદયાત્રા કરીને, ચાદર ઓઢાડીને વિવિધ રીતે ભક્તિ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું. પ્રમુખપદ ગ્રહણ કરતી વખતે પ્રમુખ સ્વામી મહારાજે લીધેલી પ્રતિજ્ઞાઓને તેમના જીવનનાં 95 વર્ષ સુધી સાકાર થયેલી લાખો લોકોએ અનુભવી છે. પ્રચંડ પુરુષાર્થ દ્વારા સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની મહાન પરંપરાઓને વિસ્તારીને તેમણે વિરાટ સ્વરૂપ આપ્યું. પ્રમુખ વરણી અમૃત મહોત્સવમાં સૌને સમર્પિત આ ભવ્ય અને દિવ્ય જીવનકાર્યને અનેકવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News