ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાષ્ટ્રીય સંગઠનમાં વ્યાપક અને મોટો ફેરફાર કરીને આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે કમર કસી લીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની આગેવાની હેઠળ નવી રાષ્ટ્રીય ટીમની વિધિવત જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાત જેવા દેશના મહત્ત્વના રાજ્યો માટે નવા પ્રભારીઓની નિમણૂક કરી દીધી છે. ગુજરાત રાજ્યની ચૂંટણીલક્ષી જવાબદારી રાજ્યસભાના સાંસદ તરુણ ચુગને સોંપવામાં આવી છે.
તરુણ ચુગ અગાઉ પણ પક્ષના સંગઠનમાં રાષ્ટ્રીય સ્તરે ઘણી મહત્ત્વની ભૂમિકાઓ સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે. આગામી સમયમાં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય અનુભવ ધરાવતા નેતાના હાથમાં સંગઠનનું સુકાન સોંપવું એ પક્ષનો એક મોટો અને વ્યૂહાત્મક નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
દેશના સૌથી મોટા રાજ્ય અને ભાજપ માટે રાજકીય દ્રષ્ટિએ સૌથી મહત્વના ગણાતા ઉત્તર પ્રદેશમાં પણ નવી નિમણૂક કરવામાં આવી છે. પક્ષે રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રભારી બનાવ્યા છે. યુપીમાં પક્ષનું વર્ચસ્વ જાળવી રાખવા માટે આ જવાબદારી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વિનોદ તાવડેની સાથે ગુજરાતમાંથી જગદીશ ઈશ્વરભાઈ પટેલને ઉત્તર પ્રદેશના સહ-પ્રભારી તરીકેની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
બીજી તરફ, સરહદી અને રાજકીય રીતે સંવેદનશીલ એવા પંજાબ રાજ્યમાં રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ સતીશ પુનિયાને પંજાબ વિધાનસભા ચૂંટણીના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પંજાબમાં પક્ષના સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત કરવાની તેમજ ભાજપનો જનાધાર વધારવાની અત્યંત પડકારજનક જવાબદારી સતીશ પુનિયાના શિરે રહેશે. આગામી દિવસોમાં આ તમામ નેતાઓ પોતપોતાના પ્રભારી વાળા રાજ્યોનો પ્રવાસ ખેડીને ચૂંટણીલક્ષી કામગીરીનો પ્રારંભ કરશે.