BREAKING NEWS

માંજલપુર બેઠકની પેટાચૂંટણીની મતગણતરીઃ ભાજપના ઉમેદવાર સતિષ પટેલની જીત નિશ્ચિત મનાતા ઢોલના તાલે ઉજવણી શરૂ

  • August 03, 2026 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરાની હાઇપ્રોફાઇલ ગણાતી માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની મતગણતરી દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ પોતાની જીત તરફ મજબૂત કદમ વધાર્યા છે. આઠમા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર સતિષ પટેલ ૧૩,૫૦૯ મતોની તોતીંગ લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. જીત સંપૂર્ણપણે નિશ્ચિત મનાતા ભાજપના કાર્યાલય અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવાર અને સમર્થકોએ જીતનો જશ્ન મનાવવાનું શરૂ કરી દીધું છે, જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ગરબે ઘૂમીને પોતાની ખુશી વ્યક્ત કરી રહી છે. 


બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી પ્રથમ રાઉન્ડની શરૂઆતથી જ ભાજપના ઉમેદવારથી પાછળ ચાલી રહ્યા છે. આઠમા રાઉન્ડની ગણતરી પૂર્ણ થતાં સુધીમાં ભાજપના સતિષ પટેલને કુલ ૨૩,૬૩૨ મત મળ્યા છે, જ્યારે તેમની સામે કોંગ્રેસના ભીખા રબારીને માત્ર ૧૦,૧૨૩ મત પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત, મતદારો દ્વારા 'નોટા' (NOTA) પર પણ પસંદગી ઉતારવામાં આવી છે અને આઠમા રાઉન્ડ સુધીમાં નોટાને ૯૧૪ મત મળ્યા છે.


ઉલ્લેખનીય છે કે, માંજલપુર વિધાનસભા બેઠક પર ગત ૩૦ જુલાઈના રોજ પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું, જેમાં માત્ર ૩૭.૦૫ ટકા જેટલું નબળું મતદાન નોંધાયું હતું. ઓછા મતદાનને કારણે કોંગ્રેસ પણ પોતાની જીતની આશા રાખીને બેઠી હતી, જ્યારે ભાજપે આ પરંપરાગત બેઠક પર ફરી એકવાર પોતાનો કબજો જાળવી રાખવા માટે પૂરતો આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો. આજે ૩ ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવેલી આ મતગણતરી કુલ ૧૯ રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે, જેનાથી બપોર સુધીમાં હાર-જીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.


મતોની ગણતરી માટે તંત્ર દ્વારા વ્યાપક અને સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતગણતરી કેન્દ્ર ખાતે કુલ ૧૪ ઈવીએમ (EVM) મશીનો અને ૧ પોસ્ટલ બેલેટના કાઉન્ટિંગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. બેઠકના કુલ ૨૬૦ મતદાન મથકોના મતોની ગણતરી ૧૪+૧ (પોસ્ટલ બેલેટ) ટેબલો પર તબક્કાવાર ૧૯ રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. સવારે ૮ વાગ્યે સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ ઈ.વી.એમ.ના મતોની ગણતરી શરૂ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application