સુરત શહેરમાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન ગંભીર આક્ષેપો સાથે રાજકીય ગરમાવો વધી ગયો છે. જીવતા અને હયાત મતદારોને મરેલા બતાવી તેમના નામ મતદાર યાદીમાંથી રદ કરાવવા ફોર્મ નંબર–7 ભરવામાં આવ્યા હોવાનો આરોપ ભાજપના કોર્પોરેટર પર લગાવવામાં આવ્યો છે. આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં કુલ 228 મતદારોએ લેખિત અરજી કરી, કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે.
મોટા ભાગના ફોર્મ ‘મતદાર મૃત છે’
આરોપ મુજબ, ભાજપના વોર્ડ નંબર 25ના કોર્પોરેટર વિક્રમ પટેલ દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ નંબર–7 ભરવામાં આવ્યા હતા. મતદારો જીવિત હોવા છતાં તેમને મૃત જાહેર કરી મતદાર યાદીમાંથી નામ કાઢવાનો પ્રયાસ કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. માત્ર લિંબાયત વિધાનસભા મતવિસ્તારમાં જ આશરે 31 હજાર જેટલા ફોર્મ નંબર–7 ભરાયા હોવાની માહિતી સામે આવી છે, જેમાં મોટા ભાગના ફોર્મ ‘મતદાર મૃત છે’ તેવા કારણ સાથે ભરાયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
મતાધિકાર પર સીધો હુમલો થયો
ફરિયાદ કરનાર મતદારોનો આક્ષેપ છે કે કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારોમાં મતદારોની સંખ્યા ઘટાડવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. જીવતા મતદારોને સરકારી ચોપડે મૃત જાહેર કરી દેવાથી તેમના મતાધિકાર પર સીધો હુમલો થયો હોવાનું તેમણે જણાવ્યું છે. 228 મતદારોએ સલાબતપુરા પોલીસ મથકમાં અરજી આપી જણાવ્યું છે કે, આ પ્રકારની ગેરકાયદેસર અને લોકશાહી વિરોધી કામગીરી બદલ જવાબદાર સામે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવે. મતદારોનું કહેવું છે કે, જો સમયસર કાર્યવાહી નહીં થાય તો મોટી સંખ્યામાં નાગરિકો મતાધિકારથી વંચિત થઈ શકે છે.
શહેરમાં રાજકીય ચર્ચા તેજ બની
આ સમગ્ર મામલાને લઈને શહેરમાં રાજકીય ચર્ચા તેજ બની છે. એક તરફ મતદારોએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે, જ્યારે બીજી તરફ પોલીસ દ્વારા અરજીના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરાઈ હોવાની માહિતી મળી રહી છે. હવે જોવાનું રહેશે કે, આ ગંભીર આક્ષેપોમાં આગળ શું કાર્યવાહી થાય છે.