BREAKING NEWS

ગુજરાતમાં ગામડાં સર કરવા ભાજપની નવી રણનીતિ: 'ચાલો ભેરુ ગામડે' દ્વારા ખેડૂતો સાથે સંવાદ

  • September 23, 2026 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યાર બાદ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થશે. હાલમાં રાજ્યમાં વરસાદની અછત, ખાતરની અછત અને પાકના ભાવમાં વધારો નહીં મળવા સહિતના મુદ્દાઓ પર રાજ્યના ખેડૂતો સરકાર સામે રોષે ભરાયા છે. બીજી તરફ ખેતરમાં ખાનગી કંપનીઓની વીજ લાઈનો સહિતના થાંભલા નાંખવા અને તેના વળતર મુદ્દે પણ આંદોલનો ચાલી રહ્યાં છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ગ્રામીણ વિસ્તારો અને ખેડૂત મતદારોને રીઝવવા માટે એક રણનીતિ ઘડવામાં આવી છે.પ્રથમ અભિયાન 'ચાલો ભેરુ ગામડે'નામનું છે.

આ કવાયતના ભાગરૂપે ભાજપ કિસાન મોરચા દ્વારા ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ચૂંટણી પૂર્વે રાજ્યના ગામડાંઓ સર કરવા માટે બે મોટા જનસંપર્ક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે.ખેડૂતો અને ગ્રામીણ નેતૃત્વને સીધા પક્ષ સાથે જોડવા માટે આ અભિયાન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.કમલમ ખાતે યોજાયેલી આ બેઠકમાં ચર્ચા કરાયા મુજબ, ભાજપ આગામી સમયમાં બે મોટા જનસંપર્ક અભિયાન શરૂ કરશે. પ્રથમ અભિયાન 'ચાલો ભેરુ ગામડે' અંતર્ગત પક્ષના કાર્યકરો અને નેતાઓ સીધા ગામડાંઓમાં જઈને ખેડૂતો સાથે સંવાદ કરશે અને તેમની મુશ્કેલીઓ જાણીને પક્ષનો સંદેશ પહોંચાડશે.

જ્યારે બીજા અભિયાન તરીકે સરપંચ સંવાદનું આયોજન કરવામાં આવશે.જેના દ્વારા ગ્રામીણ સ્તરના નેતૃત્વ એટલે કે સરપંચો સાથે સીધો સંપર્ક સાધીને પક્ષનું ગ્રામીણ જોડાણ વધુ મજબૂત કરવામાં આવશે.આ બંને માધ્યમો દ્વારા કિસાન મોરચો ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચીને મતદારો સાથેનો સેતુ મજબૂત કરશે.આ બેઠક દરમિયાન રાજ્યમાં વરસાદની અછત અને તેના કારણે ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે પણ ગંભીર મંથન કરવામાં આવ્યું હતું.પક્ષના અગ્રણીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વર્તમાન સ્થિતિ પર સરકારની પૂરેપૂરી નજર છે અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય સમયે જરૂરી નિર્ણયો લેવામાં આવશે તથા સરકાર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવશે.ચૂંટણી પહેલાં ધરતીપુત્રો અને ગ્રામીણ મતદારોને પોતાના પક્ષમાં જાળવી રાખવા માટે ભાજપ દ્વારા આ આક્રમક રણનીતિ અમલમાં મૂકવામાં આવી છે. જેનાથી રાજકીય ગરમાવો વધી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application