એશિયન ગેમ્સમાં ભારતે વુશુ તથા રોઈંગમાં બે મેડલ જીત્યા: પિસ્તોલ ટીમે નિરાશ કર્યા
એશિયન ગેમ્સમાં ભારતે વુશુ તથા રોઈંગમાં બે મેડલ જીત્યા: પિસ્તોલ ટીમે નિરાશ કર્યા
September 24, 2026 10:39 AM
આઇચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026ના પાંચમા દિવસે ભારતે શાનદાર શરૂઆત કરી છે. દિવસની શરૂઆતમાં જ ભારતને બે મેડલ મળ્યા હતા. ભારતીય રોઇંગની જોડી સતનામ સિંહ અને સલમાન ખાને મેન્સ ડબલ સ્કલ્સની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.ત્યારબાદ રોશિબીના દેવીએ મહિલાઓની 60 કિગ્રા વુશુ સ્પર્ધામાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. આ સાથે ભારતના મેડલ ખાતામાં વધુ એક મહત્વનો ઉમેરો થયો હતો.પુરુષોની 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધાની ફાઇનલ માટે ત્રણેય ભારતીય શૂટર્સમાંથી કોઈ પણ ક્વોલિફાય થઈ શક્યું નહીં. કમલજીત 580 પોઈન્ટ સાથે 9મા સ્થાને રહ્યો, જ્યારે આકાશ ભારદ્વાજ 579 પોઈન્ટ સાથે 11મા સ્થાને રહ્યો. કેદારલિંગે 568 પોઈન્ટ મેળવીને 35મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.એશિયન ગેમ્સના ગઈકાલે ચોથા દિવસે ભારતે કુલ 5 મેડલ જીત્યા હતા. તેમાં સૌથી ખાસ મેડલ વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂનો રહ્યો હતો. તેમણે મહિલાઓની 49 કિગ્રા કેટેગરીમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં મીરાબાઈ ચાનૂનો આ પ્રથમ પોડિયમ ફિનિશ હતો.સોફ્ટ ટેનિસમાં જય મીણાએ સેમિફાઇનલ દરમિયાન ઈજા થવા છતાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ મેડલ સોફ્ટ ટેનિસમાં એશિયન ગેમ્સમાં ભારતનો પ્રથમ મેડલ પણ બન્યો હતો.શૂટિંગમાં સ્કીટની પુરુષ અને મહિલા ટીમ સ્પર્ધામાં ભારતને બે બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. અનંતજીત સિંહ નારુકા વ્યક્તિગત ફાઇનલમાં પહોંચ્યા હતા. જોકે, શૂટિંગની અન્ય ચાર સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓ મેડલથી થોડા અંતરે રહી ગયા હતા. બીજી તરફ, ભારતીય પુરુષ કબડ્ડી ટીમે બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન બનાવ્યું છે.ભારતીય મહિલા હોકી ટીમે પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે થાઇલેન્ડને 20-1ના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી હતી.દિવસના અંતિમ મહત્વના મુકાબલામાં ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમને સેમિફાઇનલમાં ચીન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ સાથે પોતાની એશિયન ગેમ્સની સફર પૂરી કરી હતી.આ રીતે પાંચમા દિવસે રોઇશિબીના દેવીના સિલ્વર અને સતનામ-સલમાનની બ્રોન્ઝ જીત સાથે ભારતે મેડલ અભિયાનને આગળ વધાર્યું છે.