ભરૂચમાં આવેલી રાષ્ટ્રીય ધરોહર તરીકે ઘોષિત અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઈ)ની દેખરેખ હેઠળની ઐતિહાસિક જામા મસ્જિદ અંગેનો વિવાદ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ૭૦૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત મસ્જિદનો પાછળનો મુખ્ય પ્રવેશદ્વાર કાયમ માટે બંધ કરી દેવાયો છે. આ ઉપરાંત, પુરાતત્ત્વ વિભાગની મિલકતમાં થતી દફનવિધિ પર રોક લગાવીને ત્યાં સતત એક અધિકારીને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે.
બીજી તરફ, મામલો અત્યંત સંવેદનશીલ બનતાં મસ્જિદ પરિસરની અંદર અને બહાર મળીને કુલ પચ્ચીસ સીસીટીવી કેમેરા ગોઠવીને સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હાઇકોર્ટમાં થનારી આ સુનાવણી દરમિયાન મસ્જિદના પ્રાચીન પિલરો પર થયેલી દેવી-દેવતાઓની કોતરણી તેમજ આશરે ૭૦૦ વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતી જૈન તીર્થંકર ભગવાન મલ્લિનાથ અને વિધ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓની કાયમી સુરક્ષાને લઈને વિશેષ દલીલો કરવામાં આવશે.
છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા આ વિવાદ અને ધાર્મિક ઘટનાક્રમો બાદ, મસ્જિદમાં શુક્રવારની નમાઝ અદા કરવા આવતા મુસ્લિમ બિરાદરો તેમજ દર્શનાર્થે આવતા જૈન-હિન્દુ શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ કાનૂની લડાઈમાં મસ્જિદ ટ્રસ્ટને પણ એક પક્ષકાર બનાવવામાં આવ્યું છે, આથી સુનાવણીમાં ટ્રસ્ટના વકીલ પણ પોતાની રજૂઆત કરે તેવી પૂરી શક્યતા છે. આ સમગ્ર સંવેદનશીલ પ્રકરણમાં પુરાતત્વ વિભાગની આ મિલકત અંગે હાઇકોર્ટ શું વચગાળાનો કે આખરી આદેશ આપે છે, તેના પર તમામ ધર્મના લોકોની નજર મંડરાયેલી છે.
નોંધનીય છે કે, આ ઐતિહાસિક મસ્જિદના પરિસરમાં એક વિશાળ પ્રાચીન પાતાળ કૂવો પણ આવેલો છે. આ સ્થળ મૂળ જૈન સમરી વિહાર હોવાના દાવાઓ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે હજારો વર્ષ જૂના આ પાતાળ કૂવામાં જૈન અને સનાતન ધર્મના દેવી-દેવતાઓની મુર્તિઓ તથા પવિત્ર ધાર્મિક ગ્રંથોનો મોટો ખજાનો કે રહસ્ય છુપાયેલું છે. જો પુરાતત્ત્વ વિભાગ દ્વારા આ પાતાળ કૂવાની સત્તાવાર વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે તો ભરૂચના પ્રાચીન ઇતિહાસ અંગે અનેક મોટા અને ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવી શકે છે.