પડધરી પાસેથી ૧.૦૧ કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે રૂરલ એસઓજીની ટીમે છ શખસોની ધરપકડ કરી ૧.૧૦ કરોડનો મુદામાલ કબજે કર્યો હતો. મોરબીના શખસ તારાપુરથી એંબરગ્રીસ લાવી અન્ય સાગરીતો સાથે મળી અહીં ગ્રાહકની તલાશમાં માધવ હોટલ પહોંચ્યા હતા દરમિયાન પોલીસે પહોંચી આરોપીઓને ઝડપી રૂ.૧.૧૦ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં ફોરેસ્ટ વિભાગે પણ ઝંપાલાવ્યુ છે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ગેરકાયદેસરની પ્રવૃત્તી સદંતર નાબુદ કરવા તથા અસરકારક કામગીરી કરવા સૂચના આપી હોય જેને લઇ રૂરલ એસ.ઓ.જી. પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં ટીમ પડધરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એએસઆઇ ફિરોજભાઇ બ્લોચને ખાનગીરાહે હકિકત મળી હતી કે, ભાનુ મેલા ચાવડા તથા મેહુલ જગદીશ રાઠોડ (રહે. બંન્ને મોરબી) પોતાની કાર લઇ પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) લઇને રાજકોટ-પડધરી નેશનલ હાઇવે ઉપર આવેલ માધવ હોટલ પાસે લેતીદેતી કરવા આવનાર છે.
બાતમીના આધારે ટીમે રાજકોટ-પડધરી નેશનલ હાઇવે ઉપર આવેલ માધવ હોટલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) સાથે આવેલ શખસોની અટકાયત કરી પોલીસે સઘન પુછતાછ કરતા તે શખસોએ ફોરવ્હિલ કારમાં તેઓની પાસે રહેલ પ્લાસ્ટિકની થેલીમાં વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) હોવાની કબૂલાત આપી હતી.
પોલીસે મેહુલ જગદીશ રાઠોડ (રહે. મોરબી, જનકપુરી સોસાયટી, બ્લોક નં.૫૦, માળીયા હાઇવે રોડ ઉપર), ભાનુ ઉર્ફે ભાવેશ ચાવડા (રહે.મોરબી, ઉમીયાનગર પાછળ, કેનાલ રોડ, મુળ ઇંદ્રણજ આણંદ), વિજયસિંહ નારૂભા ઝાલા (ઉ.વ.૪૭, રહે. મોરબી-૨, સો-ઓરડી શેરી નં.૧૦), પ્રશાંત દિલીપ જાટ (રહે.જામનગર, સાત રસ્તા સર્કલ, સુઝુીકી શો-રૂમની બાજુમાં), ધર્મેદ્રસિંહ રાજેન્દ્રસિંહ કંચવા (રહે. સીકકા, મુંગણી રોકડીયા હનુમાન મંદિરની સામે,જામનગર) અને સાવન ભરત જાટ (રહે જામનગર, સાત રસ્તા સર્કલ, ડી.સી.સી. હાઇસ્કુલની પાછળના ભાગે) ની ધરપકડ કરી વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રિસ) ૧ કિલો ૨૦ ગ્રામ રૂ.૧.૦૧ કરોડ, મોબાઈલ, કાર સહિત કુલ રૂ.૧.૧૦ કરોડનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ અર્થે ફોરેસ્ટ અધિકારીને વ્હેલ માછલીની ઉલ્ટી અને આરોપીને સોંપવામાં આવ્યાં છે.
સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, મોરબીનો ભાનુ ઉર્ફે ભાવેશ એક મહિના પહેલા તેના તારાપુર રહેતાં મિત્ર પાસેથી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રિસ) લઈ આવ્યો હતો. જે બાદ તેને અન્ય આરોપી સાથે મળી વ્હેલ માછલીની ઉલટી વેચવા માટે માધવ હોટલ પાસે પહોંચ્યા હતા દરમિયાન પોલીસ આવી ગઇ હતી. હાલ ફોરેસ્ટ વિભાગે આગળની તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઇ જી.જે. ઝાલા, પી.બી.મિશ્રા સહિતની ટીમ સાથે રહી હતી.
મોરબીનો શખસ એક માસ પહેલા એમ્બરગ્રીસ લાવ્યો’તો
મોરબીનો ભાવેશ ઉર્ફે ભાવોનો મિત્ર રોહિત જે તારાપુર રહે છે તેને ભાવેશને એક વર્ષ પહેલા પોતાની પાસે કિંમતી વસ્તુ હોવાની વાત કરી હતી. ત્યારબાદ એક માસ પહેલા જ ભાવો તે એક કરોડથી વધુની કિંમતની વહેલ માછલીની ઉલટી પોતાના ઘરે લઈ આવ્યો હતો અને અન્ય સાગરીતો સાથે મળી ગ્રાહક પણ શોધી લીધો હતો. જેને સપ્લાય કરવાની પેરવીમાં હતાં ત્યાં જ તે દબોચાઈ ગયાં હતા.