રાજકોટ શહેરની પ્રતિષ્ઠિત કંપની 'ઈગલ મોટર્સ'ના ૧૯ વર્ષ પહેલાના 28 કરોડના વેટ ચોરીના કૌભાંડમાં કંપનીના બે સહ-માલિકો પૈકી જેલ હવાલે રહેલા મનીષભાઈ બવારીયાની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.
આ અંગેની હકીકત મુજબ, વર્ષ 2005માં રસિકભાઈ બાવરીયા (ગોળવાળા) અને પરિવારના સભ્યો મનિષભાઈ, જયેન્દ્રભાઈ (જયુભાઈ), દિનેશભાઈ અને કંચનબેન(પત્ની) દ્વારા ઈગલ મોટર્સ પ્રા. લી.ની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ 2007થી કંપનીએ નિયમ મુજબ ભરવાના થતા રાજ્ય વેરા અને કેન્દ્રીય વેચાણ વેરાની રકમ સરકારમાં જમા કરાવવાનું બંધ કરી દીધું હતું. કરચોરીના પરિણામે વર્ષ 2015 સુધીમાં આંકડો વધીને રૂ. 28 કરોડ પર પહોંચી ગયો હતો. ટેક્સ વિભાગ દ્વારા વર્ષ 2015 અને 2019માં વસૂલાત માટેની અનેક નોટિસો આપવા છતાં બાકી રકમ ભરપાઈ કરવામાં આવી ન હતી. આથી વેરા અધિકારીએ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે મનિષભાઈ બવારીયા અને જયેન્દ્રભાઈ બવારીયાની ધરપકડ કરી હતી. તેમાં જયેન્દ્રભાઇએ વર્ષ ૨૦૧૧માં ડિરેક્ટર પદેથી નિવૃત થઈ ગયા સુધીની સરકારની લેણી રકમ રૂા.૧૯ લાખ કોર્ટમાં જમા કરાવી જામીન મેળવેલ હતા. તેથી
જેલ હવાલે રહેલા મનિષભાઈ બવારીયાએ રૂા. ૧૯ લાખ જમા કરાવી જામીન માંગતા જણાવેલ હતું કે આ ફરીયાદ અંગે વર્ષ-૨૦૨૦માં ઉચ્ચ અધિકારીનો આદેશ હોવા છતા હાલની ફરીયાદ વર્ષ ૨૦૨૫માં રજુ થયેલ છે, તેથી સમય મર્યાદાનો બાધ નડે છે. જેથી તેમને જામીન મળવા જોઈએ. જે સામે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે, ફકત ૩ વર્ષથી ઓછી સજાના ગુન્હામાં જ કોર્ટને કોગ્નીઝન્સ લેવા સામે બાધ છે. હાલના કેસમાં કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજુ થયેલ નથી, તેથી કોર્ટ સમક્ષ કોગ્નીઝન્સ લેવાનો કોઈ પ્રસંગ ઉપસ્થિત થયેલ નથી. આ કારણે સમય મર્યાદાનો બાધ હાલના તબકકે કોઈપણ પ્રકારે લાગુ પડતો નથી. આ ઉપરાંત આરોપી મનિષ બવારીયાએ આપેલ ચેક રિટર્ન થયેલ છે. પેઢીના સમગ્ર નાણાંકીય સ્ત્રોતો તેમના એકલાની વ્યવસ્થામાં હોવા છતા અનિચ્છાએ ૧૯ લાખ જમા કરાવી ૨૮ કરોડની લેણી રકમના કેસમાં રેગ્યુલર જામીન માંગવામાં આવેલ છે. આ વર્તણુક બતાવે છે કે આરોપીનો ઈરાદો સરકારની મોટી લેણી રકમ ડુબાડવાનો હતો. સરકાર તરફેની આ તમામ દલીલોના અંતે અધિક સેશન્સ જજ સી.જે. પટેલે આરોપી મનિષ બવારીયાની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.