ઇન્સ્યોરન્સ સેક્ટરમાં કમિશન અને ઇન્સ્યોરન્સ વેચવાની પદ્ધતિ સાથે જોડાયેલા નિયમોમાં મોટા બદલાવ લાવવા માટે વીમા નિયમનકાર 'ઇરડા' દ્વારા એક મહત્વપૂર્ણ પરામર્શ પત્ર જારી કરવામાં આવ્યો છે. ઇરડાના આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય ઇન્સ્યોરન્સ ડિસ્ટ્રિબ્યુશનનું કમિશન ઘટાડવાનો, કંપનીઓના ખર્ચ પર સખત મર્યાદા મૂકવાનો અને બેંક લોન સાથે જબરદસ્તીથી વીમો વેચવાની પ્રથા પર સંપૂર્ણ રોક લગાવવાનો છે. બેંક અને બ્રોકર જેવા ખુલ્લા ડિસ્ટ્રિબ્યુશન મોડેલ માટે કમિશનની સીમા એજન્ટ્સ કરતા ઓછી રાખવાની વાત કરવામાં આવી છે. જેના કારણે હેલ્થ અને ટર્મ ઇન્સ્યોરન્સના નવા વ્યવસાયમાં કમિશનમાં ઓછામાં ઓછું અડધો ઘટાડો થઈ શકે છે, જ્યારે મોટર ઓન ડેમેજ વીમામાં કમિશન લગભગ એક-તૃતીયાંશ જેટલું ઓછું થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
પ્રસ્તાવના મુખ્ય નિયમ મુજબ, કોઈપણ નાણાકીય સંસ્થા કે બેંક દ્વારા લોન સાથે વીમા પોલીસી વેચવા (બંડલ્ડ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ) પર કડક રોક લગાવવામાં આવશે. બેંક કે અન્ય નાણાકીય સંસ્થાઓ ગ્રાહકને લોન આપતી વખતે વીમો લેવા માટે બાધ્ય કે મજબૂર નહીં કરી શકે. ગ્રાહક પોતાની જરૂરિયાત અને અંગત પસંદગીના આધારે વીમો લેવો કે નહીં તેનો સ્વતંત્ર નિર્ણય લઈ શકશે. આ મહત્વપૂર્ણ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને અનાવશ્યક અને બિનજરૂરી વીમો ખરીદવાના દબાણમાંથી બચાવવાનો છે. ઇરડાએ લોન આપતી બેંકોની ઓરથી વીમો વેચવા પર કમિશનની સીમા નક્કી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જ્યાં ઉત્પાદનના આધારે આ કમિશન બે ટકાથી પાંચ ટકા સુધી સીમિત કરી શકાશે.
ઇરડાના આ સખત પ્રસ્તાવોને કારણે બેંકિંગ અને ઇન્સ્યોરન્સ સેક્ટરના શેરોમાં ભારે હહાકાર મચી ગયો છે. ગુરુવારના રોજ આ પ્રસ્તાવોની જાહેરાત બાદ બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. પોલિસી બજારના શેરમાં એક જ દિવસમાં ૩૫.૯ ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો, જ્યારે ટર્ટલમિન્ટેડ ફિનટેક ૨૦ ટકા, મેક્સ ફાઇનેશિયલ ૯.૮૧ ટકા, એચડીએફસી લાઈફ ૬.૧૬ ટકા, આઈસીઆઈસીઆઈ પ્રુ લાઈફ ૪.૧૩ ટકા, નિવા બૂપા ૫.૧૫ ટકા અને ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના શેરમાં ૫.૬૫ ટકાનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત એનબીએફસી સેક્ટરના શેરો પણ ધરાશાયી થયા હતા, જેમાં બાજ ફાઈનાન્સ, એલએન્ડટી ફાઈનાન્સ, મુથૂટ ફાઈનાન્સ, ચોલામંડલમ અને મહિન્દ્રા ફાઈનાન્સ સહિત ૧૨ ફાઈનાન્સિયલ શેરોની બજાર મૂડીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
આ નવા પ્રસ્તાવ મુજબ હવે ગ્રાહકોએ વીમા પોલીસીની કિંમત અને તેની વિગતવાર જાણકારી મેળવવા માટે પોતાના ફોન નંબર કે ઈમેલ આઈડી આપવા ફરજિયાત રહેશે નહીં. વીમા કંપનીઓ અને તેના વિતરકોની વેબસાઇટ પર ગ્રાહકો કોઈપણ વ્યક્તિગત જાણકારી આપ્યા વિના જરૂરી માહિતી સરળતાથી મેળવી શકશે. ગ્રાહક કોઈપણ પ્રકારની ઓળખ કે પર્સનલ ડિટેલ્સ શેર કર્યા વગર જ વીમા ઉત્પાદનની કિંમત, પ્રીમિયમ, ફીચર્સ અને તેનું પ્રદર્શન ચકાસી શકશે.
કાર બાયર્સને મળશે ડિજિટલ વિકલ્પ અને સેવાઓ
ઇરડાના આ પ્રસ્તાવ દ્વારા નવા વ્હીકલ બાયર્સને ડિજિટલ પ્લેટફોર્મ મારફતે ઇન્સ્યોરન્સ ખરીદવાનો ઉત્તમ વિકલ્પ આપવામાં આવ્યો છે. મોટર ડીલર્સ માટે પણ નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે, જેના અંતર્ગત થર્ડ-પાર્ટી મોટર ઇન્સ્યોરન્સ પર કમિશન ઓછું કરવાનું અને મોટર ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સને એમઆઈએસાઈ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. નવું વાહન ખરીદનારા લોકો માટે મોટર ડીલર્સને ઇન્સ્યોરન્સ ખરીદવાનો ડિજિટલ વિકલ્પ પ્રદર્શિત કરવો પડશે. કોઈ ડીલર ગ્રાહકને એ આધાર પર કેશલેસ રિપેર સર્વિસ આપવાથી મનાઈ નહીં કરી શકે કે તેણે ઇન્સ્યોરન્સ પોલીસી ડીલર પાસેથી ખરીદી નથી.