જો આગામી અઠવાડિયે તમારે બેંક સબંધી કોઈ મહત્ત્વનું કામ પતાવવાનું હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ૧૩ જુલાઈથી ૧૯ જુલાઈ ૨૦૨૬ વચ્ચે દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં સ્થાનિક તહેવારો તથા આયોજનોના કારણે અલગ-અલગ જગ્યાએ બેંકોમાં ૪ દિવસ સુધી રજાઓ રહેવાની છે. જેથી ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે.
૧૩ થી ૧૫ જુલાઈ દરમિયાન બેંકો નિયમિત ચાલુ રહેશે
જો તમારે બેંકની શાખા (બ્રાન્ચ) પર જઈને ચેક જમા કરાવવો, રોકડ ઉપાડવી કે અન્ય કોઈ દસ્તાવેજી કામગીરી કરવાની હોય, તો ૧૩ જુલાઈ (સોમવાર), ૧૪ જુલાઈ (મંગળવાર) અને ૧૫ જુલાઈ (બુધવાર) સૌથી અનુકૂળ દિવસો છે. આ ત્રણ દિવસોમાં દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકો સામાન્ય સમય મુજબ કાર્યરત રહેશે.
૧૬ થી ૧૯ જુલાઈ વચ્ચે ક્યાં અને ક્યારે રહેશે રજાઓ?
૧૬ જુલાઈ (ગુરૂવાર): ‘હરેલા’ પર્વના કારણે દેહરાદૂન અને ઈમ્ફાલમાં બેંકો બંધ રહેશે. આ ઉપરાંત ભુવનેશ્વરમાં રથયાત્રાના તહેવાર નિમિત્તે બેંકોમાં અવકાશ રહેશે.
૧૭ જુલાઈ (શુક્રવાર): શિલોંગમાં ‘યુ તિરોત સિંહ’ ની પુણ્યતિથિ નિમિત્તે બેંકો બંધ રહેશે.
૧૮ જુલાઈ (શનિવાર): ગેંગટોકમાં ‘દ્રુકપા ત્શે-જી’ પર્વના કારણે બેંકોમાં રજા રહેશે.
૧૯ જુલાઈ (રવિવાર): રવિવારની સાપ્તાહિક રજા હોવાના કારણે સમગ્ર દેશમાં તમામ બેંકો સંપૂર્ણપણે બંધ રહેશે.
ડિજિટલ અને ઓનલાઇન બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે
બેંકની શાખાઓ બંધ રહેવા છતાં ગ્રાહકોને નાણાકીય વ્યવહારોમાં કોઈ મોટી અગવડતા નહીં પડે. એટીએમ (ATM), યુપીઆઈ (UPI), ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ તેમજ NEFT અને RTGS જેવી તમામ ઓનલાઈન ડિજિટલ સેવાઓ ચોવીસે કલાક સામાન્ય રીતે ચાલુ રહેશે. ગ્રાહકો ઘરબેઠા સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકશે અને બિલની ચૂકવણી કરી શકશે.