જામનગરમાં સોની વેપારીનું રૂ.૮ લાખ જેટલી કિંમતનું સોનું લઇ બંગાળી કારીગર ફરાર થઇ જતા ભારે ચકચાર જાગી છે. આ કારીગર વેપારીની દુકાનમાં છેલ્લાં ૨૦ વર્ષથી વધુ સમયથી કામ કરતો હતો. જે ૫૦ ગ્રામથી વધુ સોનું લઇ રાતોરાત રફુચકકર થઇ જતાં સોની બજારમાં આ મુદો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે વેપારીએ પોલીસમાં અરજી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
સોનાના ભાવમાં દીન-પ્રતિદીન ભડકો થતાં આસમાને પહોંચ્યા છે. હાલમાં તો એક ગ્રામ શુઘ્ધ સોનાનો ભાવ રૂ.૧૪૦૦૦થી વધુ હોય સોનાની ખરીદી દીવા સ્વપ્ન બની રહ્યું છે. સોનાના ભાવમાં આગ ઝરતી તેજીથી કામ-ધંધા મહદઅંશે ઠપ્પ થતા વેપારીઓ અને કારીગરોના જીવનમાં મહાભારતની સ્થિતિ પ્રર્વતી રહી છે. આ કપરી સ્થિતિમાં જામનગરમાં એક સોની વેપારીની દુકાનમાં કામ કરતો અને કોલકતામાં રહેતો ૩૮ વર્ષનો બંગાળી કારીગર વેપારીનું ૫૦ થી ૬૦ ગ્રામ શુઘ્ધ સોનું લઇ રફુચકકર એટલે કે ફરાર થઇ ગયો છે.
નવાઇની વાત તો એ છે કે, આ કારીગર વેપારીની દુકાનમાં છેલ્લાં ૨૦ વર્ષથી વધુ સમયથી કામ કરતો હતો. ત્યારે આ કારીગર વેપારીનું રૂ.૭ થી ૮ લાખની કિંમતનું સોનું લઇ રાતોરાત ચાલ્યો જતાં વેપારી ધંધે લાગ્યા છે. હાલમાં તો વેપારીએ કારીગર સોનું લઇને ચાલ્યો જતા પોલીસમાં અરજી કરી છે. તદઉપરાંત સોશીયલ મીડીયામાં પણ આ બંગાળી કારીગરની તસ્વીર મૂકી કોઇને આ કારીગર અંગે જાણકારી હોય તો આપવા અનુરોધ પણ કર્યો છે. સોનાના ભડકે બળતા ભાવ વચ્ચે બંગાળી કારીગર વેપારીનું રૂ.૮ લાખ જેટલી કીંમતનું સોનું લઇ ફરાર થઇ જતા આ મુદે સોની અને ચાંદીબજારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.